પ્રતાપનગર ઝેનિથ સ્કૂલની ગલીમાં ચાલતા જુગારધામ પર દરોડો : 6 ઝડપાયા, રૂા.50 હજારનો મુદ્દામાલ જપ્ત

ત્રિમૂર્તિ એવન્યૂમાં રહેતો રંજન વર્મા ખુલ્લી જગ્યામાં જુગારધામ ચલાવતો હતો

MailVadodara.com - Pratapnagar-Zenith-School-Lane-raid-6-arrested-Rs-50-thousand-seized

- જુગારધામના મુખ્ય સૂત્રધાર રંજન વર્મા સામે વાડી, ડીસીબી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળીને અત્યારસુધી 48 ગુનાઓ દાખલ થયા

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ઝેનિથ સ્કૂલની બાજુમાં ચાલતા જુગારધામ પર વાડી પોલીસ કોઇ કાર્યવાહી કરતી નહતી. છેવટે આજે પીસીબીએ દરોડો પાડીને જુગારના મુખ્ય સંચાલક અને ૪૮ ગુનાઓનો ભૂતકાળ ધરાવતા આરોપીને ઝડપી પાડયો છે. અગાઉ વાડી પોલીસ સ્ટેશનની હદમાં બૂટલેગરોએ જાહેરમાં મારામારી કરી પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવ્યા હતા.


ડભોઇ રોડ ઝેનિથ સ્કૂલની બાજુની ગલીમાં ત્રિમૂર્તિ એવન્યૂમાં રહેતો રંજન નોખેલાલ વર્મા એપાર્ટમેન્ટ પાસે ખુલ્લી જગ્યામાં આંકડાનો ધંધો કરે છે. તેના માણસો કેતન રમેશભાઇ ઠાકોર તથા અશોક સુધાકરભાઇ કટારિયા પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. તેવી માહિતી પીસીબી પોલીસને મળી હતી. પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર રંજન વર્મા સહિત છ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં રંજન વર્મા, કેતન રમેશભાઇ ઠાકોર ( રહે. રામ કૃષ્ણ બ્લોક, પ્રતાપ નગર), અશોક સુધાકરભાઇ કટારિયા (રહે. પવનદૂત સોસાયટી, માંજલપુર), અજય ભાઇલાલભાઇ પટેલ ( રહે. ચીમનલાલની ચાલી, પ્રતાપ નગર), રમેશ ભાઇલાલભાઇ તડવી (રહે.રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ડભોઇ  રોડ) તથા દિનેશ નટુભાઇ રાજપૂત (રહે. ત્રિમૂર્તિ એવન્યૂ, પ્રતાપનગર) નો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્ય સૂત્રધાર રંજન વર્મા સામે વાડી, ડીસીબી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળીને કુલ ૪૮ ગુનાઓ અત્યારસુધી દાખલ થયા છે. જેમાં મોટાભાગના જુગારના કેસ છે. આ ઉપરાંત તેની સામે મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયા છે. જુગારના અડ્ડાની નજીક જ સ્કૂલ ચાલી રહી છે. તેમ છતાંય વાડી પોલીસનો સ્ટાફ આ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૯,૭૦૦ તથા પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૫૦,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments