- યુવકને પકડતા પોલીસને ખોટા કેસમાં ફસાવી તથા બહાર જોઇ લેવાની ધમકી આપતા પોલીસે વાઘોડિયા રોડ ખાતે રહેતા વિશ્વેશ ઉર્ફે વિશુ માછીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે જાહેર માર્ગમાં રસ્તામાં પોતાનું મોપેડ ઉભું રાખી જાહેરમાં મોટા અવાજે અપશબ્દો બોલનાર યુવકને સયાજીગંજ પોલીસના કર્મીઓએ પકડતા યુવકે ખોટા કેસમાં ફસાવી દેવાની તથા બહાર જોઇ લેવાની ધમકી આપતા સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સયાજીગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓ એ.એસ.આઇ. દિપકકુમાર સાથે જ અન્ય પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ડેરી ડેન સર્કલ પાસે તા.14 એપ્રિલના રોજ મોડી રાત્રે પોણા એક વાગ્યે એક ઇસમ જાહેર માર્ગમાં પોતાનું મોપેડ આડું ઉભું રાખી મોટે મોટેથી બુમો પાડી બકવાસ કરતો હતો અને ખરાબ અપશબ્દો બોલતો હતો. તેને પકડી તેનું નામ પૂછતાં તેણે પોલીસકર્મીઓ સાથે જીભાજોડી કરી હતી. સાથે ગેરવર્તન કરતાં તેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તેણે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઇ સાથે ધક્કામુક્કી કરી બિભત્સ શબ્દો બોલ્યા હતા.
આ ઉપરાંત પોલીસ ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા અને જોર જોરથી બુમો પાડતો હતો. પોલીસે તેના મોબાઇલ ફોન નંબરથી તેના માતા પિતાને બોલાવ્યા હતા. તેમ છતાં નશામાં ધૂત યુવકે પોતાના માતા પિતાની હાજરીમાં પોલીસકર્મીઓ સાથે ખરાબ વર્તન ચાલુ રાખ્યું હતું. પોલીસે તેનું નામ પૂછતાં તેણે વિશ્વેશ ઉર્ફે વિશુ કનૈયાલાલ માછી હોવાનું તથા પોતે યોગી સોસાયટીમાં મકાન નંબર સી-29, મહેશ કોમ્પલેક્ષ વાઘોડિયા રોડ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જેથી બ્રેથ એનેલાઇઝરથી તપાસતા તેણે નશાકારક કેફી પીણું લીધેલાનું જણાતાં પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.