- વડુ પોલીસે દરોડો પાડી સ્થળ પરથી બે દારૂની બોટલો, બે બિયરની બોટલો, ઠંડા પીણાની બોટલો સહિત રૂપિયા 9 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા જિલ્લાના વડુ પોલીસ મથકની હદમાં વાસણા ગામના ખેતરમાં કંપનીના નિવૃત્ત થયેલા સાથી કર્મચારીની વિદાય નિમિત્તે દારૂની પાર્ટી ચાલી રહી હતી. વડુ પોલીસે બાતમીના આધારે રેડ પાડી દારૂની મહેફિલ માણી રહેલા 9 કર્મચારીઓને દારૂ-બિયરની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેડ પાડતા જ નશામાં ધૂત કર્મચારીઓનો નશો ઉતરી ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે, પાદરા પાસે આવેલી એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓએ નિવૃત્ત થયેલા એક સાથી કર્મચારીની વિદાય પાર્ટીનું આયોજન વાસણા ગામની સીમમાં એક ખેતરમાં કર્યું હતું. આ પાર્ટીમાં વિદાય લેતા કર્મચારી સહિત 9 કર્મચારીઓ હતા. રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલી વડુ પોલીસને માહિતી મળી હતી કે, વાસણા ગામની સીમમાં એક ખેતરમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. જે માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસને જોઇ કુંડાળું વળીને દારૂની પાર્ટી માણી રહેલા કર્મચારીઓનો નશો ઉતરી ગયો હતો. કર્મચારીઓએ પોલીસને સેટલમેન્ટ કરવા માટે કાકલૂદી કરી હતી. પરંતુ, પોલીસે દારૂની મહેફીલ માણી રહેલા 9 કર્મચારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી બે દારૂની બોટલો, બે બિયરની બોટલો, ઠંડા પીણાની બોટલો સહિત રૂપિયા 9 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દારૂની મહેફીલ માણી રહેલા પ્રકાશભાઇ પ્રભાતભાઇ'પરમાર (રહે. ગામેઠા, પાદરા, વડોદરા), ભાવેશકુમાર રમેશભાઇ પઢિયાર (રહે. દ્રોણની, પાદરા, વડોદરા), રજનીકાન્ત ઉર્ફે અજયભાઇ જેસંગભાઇ ઠાકોર (રહે. અણખી, જંબુસર, ભરૂચ), મુકેશભાઇ ઉર્ફે મયુરભાઇ વસુદેવભાઇ પરમાર (રહે. કુરાલ, પાદરા), જયદિપસિંહ ફતેસિંહ ગોહિલ (રહે. મોભા, પાદરા, વડોદરા), જગદીશભાઇ જેસંગભાઇ જાદવ (રહે. વણછરા, પાદરા, વડોદરા), રાજેશકુમાર ભગવાનપ્રસાદ સિંઘ (રહે. કોઠી ચાર રસ્તા પાસે, વડોદરા), કલ્પેશ ભાસ્કર ગાલફડે (રહે. વડોદરા) અને વિજયકુમાર જગદીશભાઇ પટેલ (રહે. વડુ, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાથી પોલીસને મોબાઇલ ફોનની ટોર્ચના સહારે કામગીરી કરવાની ફરજ પડી હતી. દારૂની મહેફિલ ઉપર રેડ પડી હોવાની જાણ વાસણા ગામ સહિત આસપાસના ગામોમાં થતાં ચકચાર મચી ગઇ હતી.