સમા વિસ્તારની સૈનિક સોસાયટીના મકાનમાંથી ચોરી કરનાર બે તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા

પરિવાર સામાજિક પ્રસંગમાં જયપુર ગયો હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા

MailVadodara.com - Police-nabbed-two-smugglers-who-stole-from-Sainik-Society-house-in-Sama-area

- હથિયાર લઈને આવેલા તસ્કરો રોકડ 70 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા


શહેરના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસેની સૈનિક સોસાયટીના મકાનમાંથી રોકડા રકમની ચોરી કરનાર બે તસ્કરને પોલીસે ઝડપી પાડ્યા હતા. પરિવાર જયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન ઘરમાં હથિયાર લઈને તસ્કરો આવ્યા હતા અને રોકડા 70 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમા પોલીસે બંને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુરની ક્રિષ્ણા વાટિકામાં રહેતા દેવેન સેલડિયા મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના સસરા સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મેદાનની સામે આવેલી સૈનિક સોસાયટીમાં રહે છે. ગત 27 તારીખે તેમના સસરા રાજેશ ખંડેલવાલનો પરિવાર સામાજિક પ્રસંગ માટે જયપુર ગયો હતો. જેથી તેઓએ દેવેનભાઈને ઘરનું ધ્યાન રાખવા કહ્યું હતું. જેથી દેવેન સસરાના ઘરે આવતા જતા હતા. જ્યારે તેમના ઘરે 2 નોકરો પણ હતા જે ઘરનું ધ્યાન રાખતા હતા. 


ગત 29 તારીખે સવારે 5 વાગ્યાના અરસામાં દેવેનને સસરાના ઘરમાં કામ કરતા નોકરનો ફોન આવ્યો હતો કે, ઘરમાં ચોરી થઈ છે. જેથી તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. તે સમયે તેમના કાકા સસરા હાજર હતા. ઘરમાં તપાસ કરતાં 70 હજારની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ વિશે નોકરોને પૂછતાં તેઓએ જણાવ્યું કે, મળસ્કે 4 વાગે તેઓ સર્વન્ટ ક્વાર્ટર્સમાં હતા ત્યારે તેઓને અવાજ સંભળાયો હતો. ત્યારે ઘરમાં લાઈટ ચાલુ હતી.


જાળીમાંથી જોતાં ઘરમાં 2 વ્યક્તિ હતા, તેઓની પાસે ડિસમિસ અને સ્ક્રૂ ડ્રાઈવર હોવાને કારણે નોકરો ડરીને ક્વાર્ટર્સમાં બેસી રહ્યા હતા અને ચોરો ઘરમાં 45 મિનિટ રહ્યા હતા. સર્વન્ટ ક્વાર્ટર્સમાં કોઈ છે તે અંગે ચોરોને કોઈ જાણકારી નહોતી. નોકરોએ જણાવ્યા અનુસાર, ચોરોની દાઢી હતી અને તેઓએ પાઘડી પહેરી હતી. આ બાબતે  જમાઈએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સીસ ના આધારે બંને ચોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓએ ગઇ તા.29 જૂનના રોજ સવારના ચારેક વાગ્યાના સુમારે મોજે સમા અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાનનું તાળું તોડી મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. 


જેને પગલે સમા પોલીસે જસબીરસીંગ ધરમસીંગ દુધાણી (સીકલીગર) (ઉ.વ.૩૨ રહે. વિમા દવાખાના પાછળ, ફતેપુરા, વારસિયા, વડોદરા શહેર) તથા ગુરમુખસીંગ નેપાળસીંગ જુણી (સીકલીગર) (ઉ.વ.૪૦ રહે.મ.નં.૧૧૪, સંગમ ક્વાટર્સ, એકતાનગર પોલીસ ચોકી સામે, બાપોદ વડોદરા શહેર)ની ધરપકડ કરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ઘરના ત્રીજા માળે તપાસ કરતાં ત્યાં તમામ સામાન વેર-વિખેર હોવાનું જણાયું હતું. જોકે ત્રીજા માળે પણ એક તિજોરી મૂકેલી હતી. ચોરોએ તેનું લોક તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોરોથી તે તિજોરીનું લોક તૂટ્યું નહોતું. જેથી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Share :

Leave a Comments