- તું મારી સાથે નહીં બોલે તો તારા ભાઇ, બહેન, તથા પપ્પાને હું મારીશ, તેવી ધમકી આપતા આખરે યુવતીએ આરોપી તોફીક હુસેનભાઇ મન્સુરી સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતી અને તેના પરિવારજનોનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. એતો ઠીક સનકી યુવાને તું મારી સાથે નહીં બોલે તો તારા ભાઇ, બહેન, તથા પપ્પાને હું મારીશ, તેવી ધમકી આપતા આખરે યુવતીએ યુવાન સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુવતી દોઢ વર્ષ પહેલા પોતાના ઘરેથી મોટા પપ્પાના ઘરે જતી હતી. તે સમયે ફળિયામાં આવતા-જતા તોફીક હુસેનભાઇ મન્સુરી (રહે. વાઘોડિયા) સાથે સામાન્ય વાત થતી હતી. તોફીક યુવતીને મિત્રતા રાખવા માટે અવાર-નવાર કહેતો હતો. જો કે, આ મામલે યુવતી તેને કોઇ દાદ આપતી ન હતી.
દરમિયાન બપોરના સમયે તોફીકે યુવતીના ઘર પાસે આવીને તેને ધમકાવી હતી. તેણે કહ્યું કે, તું મારી સાથે નહીં બોલે તો તારા ભાઇ, બહેન અને પપ્પાને હું મારીશ. જે બાદ બીજા દિવસે રાત્રે દોઢ વાગ્યે યુવતીનો પીછો કરતો તોફીક તેના ઘર પાસે આવી ગયો હતો. આખરે પીડિત યુવતીએ સતત પરેશાની અને છેડતીથી ત્રાસીને આરોપી તોફીક હુસેનભાઇ મન્સુરી (રહે. વાઘોડિયા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તોફીક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.