- રહેણાંક વિસ્તારમાં કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ અંગે જાણકારી મળ્યેથી કાયદો હાથમાં લીધા વગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા વિનંતી
‘ચોર આવ્યા છે ચોર’ની ખોટી અફવાઓ ફેલાવી લોકોમાં ભય ઉભા કરવાના પ્રયાસો કરતા તત્વોથી દૂર રહેવા માટે વડોદરા પોલીસે લોકોને અપીલ કરી છે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરવા માટે પણ પોલીસ વિનંતી કરી છે. હાલમાં સમગ્ર શહેરમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી થઇ રહેલ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિભવણી તથા સુરક્ષા માટે વિસ્તૃત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે પરંતુ, છેલ્લા ત્રણ દિવસથી સુભાષનગર ઝુપડપટ્ટી, અકોટા, કોયલી, જવાહરનગર, મન્સુરી કબ્રસ્તાન, કુંભારવાડ, આજવા રોડ, બાપોદ, તરસાલી અને મકરપુરા સહિતના વિસ્તારોમાં કોઇ વિઘ્નસંતોષી ઇસમો દ્વારા ‘ચોર આવ્યા છે ચોરની બૂમ પાડી, આજુબાજુમાં રહેતા લોકોને એકત્રિત કરવામાં આવે છે અને Dial-100 ઉપર ફોન કરી, ચોર આવેલ હોવા અંગે વર્ધી લખાવતા હોવાની કિસ્સાઓ બન્યા છે.
આ અંગે PCR વાન અને સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તપાસ કરાવતા માહિતી ખોટી હોવાનુ જણાયેલ છે. છેલ્લા ત્રણ દિવસમાં ‘ચોર આવ્યા છે ચોર અંગે મળેલ માહિતીના આધારે થયેલ તપાસ દરમ્યાન કોઇ ચોર કે શકમંદ ઇસમ જણાય આવેલ નથી. આવા સંજોગોમાં લોકોમાં ઉપસ્થિત થયેલ ગેર-સમજને કારણે કેટલીક વખત ગરીબ શ્રમજીવીઓ, ભિખારી કે અન્ય રાહદારીઓને ચોર સમજી સ્થાનિક રહિશો દ્વારા મારી નાખવામાં અથવા ગંભીર ઇજા કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલ છે.
જાહેર જનતાને જણાવવાનું કે, સમગ્ર શહેરમાં રાત્રિ દરમ્યાન વડોદરા શહેર પોલીસ દ્વારા નાયબ પોલીસ કમિશ્નર (DCP) કક્ષાના અધિકારીઓના દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ, PCB, SOG, DCB, મહિલા પોલીસ, રાજ્ય અનામત પોલીસ દળ (SRPF) તથા ગ્રહરક્ષક દળ (Home Guard) તૈનાત કરવામાં આવે છે અને PCR Van દ્વારા નિરન્તર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તે ઉપરરાંત શહેરના ૨૧- પ્રવેશ-નિર્ગમન દ્વારો ઉપર Check Post કાર્યરત કરવામાં આવેલ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યરત CCTV Cameraની મદદથી Command and Control Centre Gill 24X7 ધોરણે નજર રાખવામાં આવે છે. જેથી, સ્થાનિક રહીશોના સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે.
જેથી, ‘ચોર આવ્યા છે ચોર’ કહી ખોટી અફવા ફેલાવી લોકોમાં ભય ઉભા કરવાના પ્રયાસ કરનારા તત્વોથી દુર રહેવા અને આપના રહેણાંક વિસ્તારમાં કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ અંગે જાણકારી મળ્યેથી, કોઇપણ રીતે કાયદો હાથમાં લીધા વગર Dial-100 ઉપર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા વિનંતી છે.