ઉત્તરાયણ પર્વે ચાઈનીઝ દોરી અને તુક્કલ ન ખરીદવા, લાઉડ સ્પીકરોમાં વાંધાજનક ગીતો ન વગાડવા પોલીસની અપીલ

પોલીસ ડ્રોનની સર્વેલન્સ રાખશે, બાળકો ધાબા પરથી પડે નહીં તેનું પણ ધ્યાન રાખવું

MailVadodara.com - Police-appeal-not-to-buy-Chinese-cords-and-tukkals-not-to-play-objectionable-songs-in-loud-speakers-on-Uttarayan

- ચાર દરવાજા વિસ્તારમાં આવેલા સંવેદનશીલ તથા ગીચ વિસ્તારોમાં કોમી એક્તા જળવાઇ રહે તે હેતુસર ધાબા, હાઇરાઇઝ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે


વડોદરા પોલીસે શહેરીજનોને ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ ન ખરીદવા અપીલ કરી છે. આ ઉપરાંત ઉતરાયણ પર્વને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં આવેલા સંવેદનશીલ તથા ગીચ વિસ્તારોમાં કોમી એક્તા જળવાઇ રહે તે હેતુસર ધાબા, હાઇરાઇઝ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ધાબા ઉપર લાઇટો મુકવામાં આવશે તેમજ અધત્તન ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે. સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બજાર વિસ્તારમાં ઉતરાયણ અનુસંધાને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ ચાઇનીઝ દોરીનું ચેકીંગ કરવામા આવ્યું હતું.


એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, માંજલપુર અને મકરપુરા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, ઉત્તરાયણના તહેવારમાં લાઉડ સ્પીકરમાં કોઈ વાંધાજનક ગીતો વગાડવા નહીં. પતંગ લુંટવા માટે રસ્તા પર દોડશો નહીં. ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલોનો ઉપયોગ કરવો નહીં તથા આપના બાળકો ધાબા પરથી પડી ન જાય એનું ધ્યાન રાખવું.


પોલીસ દ્વારા રાખવામાં આવેલ તકેદારીના પગલાઓ

  • વડોદરા શહેરમાં રહેતા નાગરીકો મકરસંક્રાતીનો પર્વ શાંતિપુર્ણ રીતે હર્ષોઉલ્લાસથી ઉજવે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર માન.પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ DCP-7, ACP-12     સહિત DCB, PCB, SOG સહિત QRTની 7 ટીમો તેમજ બહારથી SRP- 03 કંપની, RAF-01 કંપની તથા 772 જેટલા હોમગાર્ડના જવાનોની ફોર્સ મંગાવી ફરજમાં તૈનાત રાખવામાં આવી છે.
  • વડોદરા શહેર પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં આવેલ કોમી સંવેદનશીલ તથા ગીચ વિસ્તારોમાં કોમી એક્તા જળવાઇ રહે તે હેતુસર ધાબા, હાઇરાઇઝ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તથા ધાબા ઉપર લાઇટો મુકવામાં આવી છે, તેમજ અધત્તન ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે.
  • ઉત્તરાયણના આગળના દિવસે 13 જાન્યુઆરીના રોજ ચાર દરવાજા વિસ્તારમાં પંગતની હરાજી બજાર ભરાતી હોવાના કારણે વડોદરા શહેરના નાગરીકો હેરાન ન થાય તે માટે ટ્રાફિક નિયંત્રણ અંગે બાયપાસ રૂટો જાહેર કરવામાં આવ્યો છે.
  • વડોદરા શહેરના નાગરીકો મોટા પ્રમાણમાં પતંગ હરાજી બજારમાં ખરીદી કરવા આવતા હોવાના કારણે બહુ જનમેદની ભેગી થતી હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
  • ભુતકાળમાં મકરસંક્રાતીના તહેવાર દરમિયાન ગુના આચરતા ઇસમો ઉપર વોચ રાખવામાં આવી રહી છે તેમજ અસામાજીક તત્વો સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિપુર્ણ વાતાવરણ ન બગાડે તે માટે સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.
  • વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે, હાનીકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી આ દોરીના કારણે જીવલેણ ઇજાઓ થતી હોય તેમજ ચાઇનીઝ તુક્કલો દ્વારા આગ લાગવાના બનાવો બનેલ હોય જેથી પ્રતિબંધીત દોરી તથા તુક્કલો/ગુબ્બારાનો ઉપયોગ ન કરવો જોઇએ.
  • ધાબેથી તથા જાહેર રસ્તા ઉપર પતંગ ચગાવતી વખતે પડી જવાના બનાવો બનતા હોવાથી આવી જગ્યાએથી પતંગ ચગાવવાનુ ટાળવુ જોઇએ તેમજ કપાયેલ પતંગ પકડવા રસ્તા ઉપર દોડવાથી પસાર થતા વાહનો સાથે અકસ્માત થવાથી ઇજા થવાની શક્યતા હોય રસ્તા ઉપર દોડવુ ન જોઇએ.

Share :

Leave a Comments