દિવાળીના તહેવારોને અનુલક્ષીને બહારગામ વતનમાં પોતાના સ્વજનો સાથે દિવાળીની ઉજવણી કરવા લોકો એ એસટી બસો દ્વારા જવાની શરૂઆત કરી દીધી છે, અને સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન પર લોકોનો ધસારો થતાં તેને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવાની શરૂઆત કરી છે.
વડોદરાથી અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ઘસારો વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને તારીખ 10 સુધી વડોદરા બસ સ્ટેશનથી વધારાની 45 બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આમ તો રોજની 85 બસ દોડે છે એ ઉપરાંત આ વધારાની બસ છે. તારીખ 11 થી 14 સુધી તહેવારોના દિવસો હોવાથી 45માંથી 85 વધારાની બસ દોડાવવા આયોજન કરાયું છે. જેથી કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળી શકાય. તહેવાર પૂરો થયા બાદ તારીખ 15 થી 19 સુધી ટ્રાફિક થોડો ઓછો થશે છતાં પણ વધુ 45 બસ ચાલુ રાખવામાં આવશે.
એસ. ટી વિભાગ દ્વારા જે શિડયુલ એસટી બસો છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે, પરંતુ વધારાની જે એસટી બસો દોડાવવાની છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ રાખી નથી.