- સ્થાયી સમિતિ અધ્યક્ષની નિયુક્તિની સાથે સાથે અન્ય 11 સભ્યોના નામોની પણ જાહેરાત કરાઇ
વડોદરા મહાનગર સેવા સદનના આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતીના ચેરમેન તરીકે ડો. શિતલ મિસ્ત્રી, પક્ષના નેતા તરીકે મનોજ પટેલ (મચ્છો)ની નિમણૂંક કરવામાં આવી છે. આજે નવા ત્રણેય મહત્ત્વના હોદ્દાઓ માટેના નામો જાહેર થતાં છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મેયર તરીકે અણધાર્યું નામ આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. નોંધનીય છે કે, દંડક તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
વડોદરામાં આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેન તેમજ પક્ષના નેતા અને દંડક માટે મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે પિન્કીબહેન સોનીના નામની જાહેર થતાં પક્ષમાં સન્નાટો છવાઇ ગયો છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ચિરાગ બારોટનું નામ લગભગ નિશ્ચિત હતું. તે પ્રમાણે જ નામ જાહેર થયું છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન માટે સ્થાયી સમિતીના વર્તમાન બે સભ્યો ડો. શિતલ મિસ્ત્રી અને મનોજ પટેલ (મંચ્છો)ના નામો ચાલી રહ્યા હતા. જેમાં કોરોનાકાળ દરમિયાન સફળ કામગીરી કરનાર ડો. શિતલ મિસ્ત્રી મેદાન મારી ગયા. જ્યારે મનોજ પટેલ (મચ્છો)ને પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે.
નવ નિયુક્ત મેયર પિન્કીબહેન નિરજભાઇ સોનીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે, જે આજે ચોથા મહિલા મેયર તરીકે નિયુક્ત થયા છે. સ્થાયી સમિતીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી M.B.B.S., M.S. (Gen. Sergery) થયેલા છે. પક્ષના નેતા તરીકે નિયુક્ત થયેલા મનોજ પટેલ (મંચ્છો) બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. મેયર વોર્ડ નંબર- 4ના કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર વોર્ડ નંબર-11ના કાઉન્સિલર, સ્થાયી સમિતીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી વોર્ડ નંબર-6ના કાઉન્સિલર, જ્યારે મનોજ પટેલ (મંચ્છો) નેતા વોર્ડ નંબર-7ના કાઉન્સિલર છે. આ અગાઉના ત્રણ મહિલા મેયર તરીકે ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા, ડો. જીગીષાબેન શેઠ 34મા ડે. મેયર અને 37મા સ્ટેન્ડિંગ ચેરમેન હતા.
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડો.શીતલ મિસ્ત્રીની નિયુક્તિની સાથે સાથે અન્ય 11 સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ભાણજી પટેલ, રાકેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૈહાણ, નીતીન દોંગા, જાગૃતી કાકા, રીટા સીંઘ, ઘનશ્યામ સોલંકી, કેતન પટેલ, હેમિષા ઠક્કરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, મેયરની રેસમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સ્નેહલબહેન પટેલ, સંગીતાબહેન ચોક્સી તેમજ પૂર્વ મેયર અને એક ધારાસભ્યના અંગત મનાતા હેમીશા ઠક્કરના નામો ચર્ચાઇ રહ્યા હતા. જ્યારે ડેપ્યુટી મેયરની રેષમાં શૈલેષ પાટીલ, ઘનશ્યામ પટેલ, ડો. રાજેશ શાહ અને મહાવિર રાજપુરોહીતના નામો ચર્ચાઇ રહ્યા હતા. કોર્પોરેશનની મલાઇદાર ગણાતી સ્થાયી સમિતીના ચેરમેન માટે મનોજ પટેલ (મંચ્છો), ચિરાગ બારોટ, એક ધારાસભ્ય દ્વારા પ્રયત્નો કરી રહેલા અજીત દધીચ અને ડો. શિતલ મિસ્ત્રીના નામો ચર્યાઇ રહ્યા હતા.