વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનાર CCTVમાં કેદ, લોકોને વાહનના નંબર આધારે શોધી દંડ કરાશે

નદીમાં કચરો ન ફેંકવાની કોર્પોરેશનની સૂચનાનો લોકો અમલ કરતા નથી

MailVadodara.com - People-who-throw-garbage-in-Vishwamitri-river-caught-on-CCTV-people-will-be-found-and-fined-based-on-vehicle-number

- વાહન પર આવી કચરો ઠાલવી જતા લોકોને સીસીટીવી આધારે શોધવાનું શરૂ

- બદામડી બાગ સ્થિત સિટી કંટ્રોલ સેન્ટર દ્વારા શહેરના ચારેબાજુ જંક્શનો પર લગાવેલા સીસીટીવી દ્વારા લોકો પર 24 કલાક વોચ રખાઇ છે


વડોદરા શહેરમાં જાહેરમાં ઓપન સ્પોટ પર તેમજ ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારને અને ગંદકી કરનારા લોકોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કડકાઈ રાખીને દંડવાનું ચાલુ કર્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બદામડી બાગ સિટી કંટ્રોલ સેન્ટર ખાતે શહેરમાં ચારેબાજુ જંક્શનો પર લગાવેલા સીસીટીવી દ્વારા લોકો પર 24 કલાક વોચ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચાલુ વાહન રોડ ઉપર થૂંકનાર તેમજ વાહન પર આવીને વિશ્વામિત્રી નદીમાં કચરો ઠાલવી જનારા લોકોના વાહનની નંબર પ્લેટ પરથી આરટીઓમાંથી વાહન માલિકની માહિતી મેળવીને તેના સુધી પહોંચડવામાં આવશે અને દંડની વસૂલાત કરાશે. થોડા સમય અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ સીસીટીવીના આધારે જાહેરમાં થૂંકનાર આવા 17 લોકોને શોધી કાઢીને દંડ ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી.


પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ, સ્વસ્છતા ઝુંબેશ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશને મુહિમ ચાલુ કરી છે. તમામ વહીવટી વોર્ડના ઓફિસરને દંડ ફટકારતી પાવતીઓ ફાડવાની સૂચના આપવામાં આવી છે. લોકોને જાહેરમાં નહીં થૂંકવા અને રોડ પર ગંદકી નહીં કરવા સૂચના અપાઇ છે. કોર્પોરેશન દ્વારા લોકોને અવારનવાર અપીલ કરવામાં આવે છે કે કચરો લેવા માટે ઘર સુધી ડોર ટુ ડોર કચરા ની ગાડી આવે છે, અને તેમાં જ કચરો નાખવો જોઈએ. બહાર ઓપન જગ્યામાં અથવા તો વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકવાની સ્પષ્ટ ના છે, છતાં પણ લોકો તેનો અમલ કરતા નથી.


નદીના પુલ પરથી પૂર ઝડપે પસાર થતાં અને કચરો ભરેલી થેલી ઉડાડીને નદીમાં ફેંકતા લોકોને પણ સીસીટીવી દ્વારા વાહનની નંબર પ્લેટના આધારે ઝડપી પાડીને દંડ ફટકારવામાં આવશે.


Share :

Leave a Comments