- શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને વાહનચાલકો પરેશાન
વડોદરા શહેરના હરણી-સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયની બહાર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાઈ રહી છે. અહીંથી પસાર થતાં વાહનચાલકોને ગટરના પાણીમાંથી પસાર થવુ પડી રહ્યું છે. આ ઉપરાંત વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાતા ખૂબ જ દુર્ગંધ આવે છે, જેથી લોકોએ ઉભરાતી ગટર બાબતે કાર્યવાહી કરવા માગ કરી છે.
વડોદરા પાલિકાના સત્તાધિશો સ્માર્ટ સિટીના દાવાઓ કરી રહ્યા છે પણ સ્માર્ટ સિટીમાં ઠેર-ઠેર ગટરો ઊભરાઇ રહી છે તેમ છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વડોદરાના હરણી-સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલય બહાર 10-10 દિવસથી ગટર ઊભરાઇ રહી છે. જો કે, અહીં કોઇ અધિકારી ફરક્યા નથી અને ઊભરાતી ગટર બાબતે કોઇ નક્કર કાર્યવાહી થઈ નથી. અહીંથી પસાર થતાં વાહનચાલકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે.
અંબે વિદ્યાલચના પ્રિન્સિપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, 10 દિવસથી આ ગટર ઉભરાઇ રહી છે. વારંવાર ટોલ ફ્રી નંબર પર જાણ પણ કરી છે. આ ગટરના પાણીનો નિકાલ લાવવો જરુરી છે. સ્માર્ટ સિટીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંથી પસાર થાય છે. આવું ગંદુ પાણી હોય, ત્યારે બીમારી પણ ફેલાઇ શકે છે. અધિકારીઓેને જાણ કરી છે પણ કોઇએ મુલાકાત લીધી નથી. સંબંધિત અઘિકારીઓ આ સમસ્યાને દૂર કરે તેવી માંગણી છે.
આ બાબતે વાહનચાલક શ્રવણભાઇ ધોબીએ જણાવ્યું હતું કે, અહીં ગટરો ઉભરાઇ જતાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ચોમાસુ ન હોવા છતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે માટે શક્ય બને તેટલુ વહેલુ આ ગટરના પાણીનો નિકાલ કરવો જોઇએ.