- વાહનોથી ધમધમતા રોડ પર ઉબકા ચઢે તેવી સ્થિતીમાં પસાર થવા લોકો મજબુર
વડોદરાના ગોત્રીમાં યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે ડ્રેનેજનું પાણી રોડ પર વહેતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. વાહનોથી ધમધમતા રોડ પર ઉબકા ચઢે તેવી સ્થિતીમાં વાહનચાલકો પસાર થવા મજબુર બન્યા હતા. મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં કલાકો સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
વડોદરા પાલિકાનું તંત્ર હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે શહેરવાસીઓની નાની-મોટી અન્ય સમસ્યાઓ ઉકેલવામાં સમય લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે વડોદરા શહેરના વાહનોથી સતત ધમધમતા ગોત્રી વિસ્તારના યશ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાઇ હતી, જેને પગલે ગટરનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહ્યું હતું. અહિંયાથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા હતા. આ સ્થિતી અંગે પાલિકાને જાણ કરવામાં આવતા બપોર સુધી કોઇ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યું ન હતું. પરિણામે સ્થાનિક લોકોને માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે રહેવું પડ્યું હતું.
વડોદરામાં પાણી અને ડ્રેનેજની સમસ્યા આમ તો બારે માસ રહે છે, પરંતુ હાલના સમયમાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંક પીવાનું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક પુરતું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક પીવાનું પાણી દુષિત મળી રહ્યું છે. બીજી તરફ ડ્રેનેજ લાઇન ચોકઅપ અથવા તો ઉભરાઇ જવાના કારણે અનેક પરિવારો મુશ્કેલી વેઠવા મજબુર બન્યા છે. આવી સ્થિતીમાં લોકોની સમસ્યાનો ક્યારે અંત આવે છે તે જોવું રહ્યું.