કડકડતી ઠંડીમાં તરસાલી ઇન્દિરા આવાસના 500થી વધુ મકાનો ખાલી કરવાની નોટિસથી લોકોમાં રોષ!!

સ્થાનિકોએ કહ્યું, અમારે નોટિસ જોઈતી નથી અમને અહીંયા જ મકાન બનાવી આપો

MailVadodara.com - People-are-angry-with-the-notice-to-vacate-more-than-500-houses-of-Tarsali-Indira-Awas-in-severe-cold

- એક બાજુ મકાન ખાલી કરવા નોટિસ આપી, બીજી બાજુ આવાસના મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા, પાલિકાની બેવડી નીતિને જોઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો

- કેટલાક રહીશોએ નોટિસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો, પાલિકા બિલ્ડરોને આ જગ્યા ફાળવી આપવા માટે કારસો કરી રહી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને ઠંડીની ઋતુમાં મકાન ખાલી કરવાની નોટિસ સાથે નવા મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મળેલી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા આ રહીશો વર્ષોથી આ જગ્યા પર રહે છે, આજે પાલિકાના હાઉસિંગ વિભાગે 500થી વધુ મકાનોને ખાલી કરવા રહીશોને નોટિસ આપી હતી. સાથોસાથ આવાસના મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે પાલિકાની આ બેવડી નીતિને જોઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તો કેટલાક રહીશોએ નોટિસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દિધો હતો. અને પાલિકા બિલ્ડરોને આ જગ્યા ફાળવી આપવા માટે કારસો કરી રહી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અમે તરસાલી નગરીમાં રહીએ છે. અમારી 34 મકાનની બબ્બે લાઈનો છે. પાલિકાના લોકો નોટિસ આપવા માટે આવ્યા છે. અમારે નોટિસ જોઈતી નથી અમને અહીંયા જ મકાન બનાવી આપો. જો તમને ઝુંપડપટ્ટી લાગતી હોય તો સરકાર સાડા ત્રણ લાખ રૂપિયાની મકાન માટે લોન મંજૂર થયેલી છે અને લોકોએ લીધી પણ છે. અમને અહીં બનાવી આપો. જો બીજી ઝુંપડપટ્ટી તોડી ત્યાં જ મકાન બનાવી આપતા હોય તો અમને પણ અહીંયા જ અમારા મકાન બનાવીને આપે.

અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસના મકાનો છે. ઇન્દિરા ગાંધીએ સિમેન્ટના પતરાથી બનાવીને અમને 34 મકાન આપેલા છે અને બીજી બાજુ 104 મકાન બનાવીને આપેલા છે. જે લીગલ ન હોય એને તમે તોડી શકો છો. જે મકાનો અમારી પરીસ્થિતિમાં છે એ અમારી પરિસ્થિતિમાં મકાન રહેવા દો. અમારા મકાનો ઇન્દિરા આવાસ યોજનામાં આવે છે. અમારા 34 મકાનો કાયદેસરના છે. જેથી આ મકાન તૂટવા ના જોઈએ બાકીના જે મકાનોને તોડવા હોય તોડી શકો છો.

Share :

Leave a Comments