- છઠ પૂજા નિમિત્તે પાલિકા તંત્ર દ્વારા બુલડોઝરથી આ ફેન્સીંગને તળાવની ચારે બાજુએથી અનેક જગ્યાએથી તોડી નાખવામાં આવી
શહેરના પશ્ચિમ-ઉત્તર છેવાડે આવેલા ગોરવા દશામા તળાવ આસપાસ પાલિકા તંત્ર દ્વારા ત્રણેક મહિના અગાઉ બનાવવામાં આવેલી ફેન્સીંગ બે દિવસ અગાઉ બુલડોઝરથી તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણ વાર બનેલી આ ફેન્સીંગ પાલિકા દ્વારા તોડી નંખાતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. જોકે છઠ પૂજા નિમિત્તે ફેન્સીંગ તોડી નંખાઈ હોવાનું કહેવાય છે. તળાવની ચારે બાજુએથી તોડી નંખાતા એક જ કામના બીલ વારંવાર પાસ કેવી રીતે કરાવવાની રીતરસમ પાલિકા તંત્ર દ્વારા શીખવા જેવી છે. આ ફેન્સીંગ તોડી નંખાયા બાદ કાટમાળ પણ જેમનો તેમ રહેતા હટાવવાની પણ કોઈ દરકાર લેવાય નથી.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ પર મુખ્ય રસ્તે દશામાનું મંદિર આવેલું છે અને તેની ચારે બાજુએ તળાવ છે. જેથી આ તળાવ દશામા મંદિર તળાવ તરીકે ઓળખાય છે. સલામતીના કારણોસર આ તળાવની ચારે બાજુએ છેલ્લા કેટલાક સમયમાં ત્રણ વાર ફેન્સીંગ બનાવાઇ હોવાનો સ્થાનિક રહીશોનું કહેવું છે. અવારનવાર કોઈ કારણોસર બેવાર તોડી નંખાયેલી કાંટાળી તારની વાડ પીલર સાથે લગાવાઇ હતી. પરંતુ કોઈ કારણસર બંને વાર તારની વાડ પિલર સાથે ધરાશાયી થઈ ગઈ હતી.
ત્યારબાદ છેલ્લા ત્રણેક મહિના અગાઉ પાલિકા તંત્ર દ્વારા ફરી એકવાર પીલ્લર સાથેની ફેન્સીંગ તળાવની ચારે બાજુએ કરવામાં આવી હતી. પરંતુ છઠ પૂજા નિમિત્તે પાલિકા તંત્ર દ્વારા બુલડોઝરથી આ ફેન્સીંગને તળાવની ચારે બાજુએથી અનેક જગ્યાએથી તોડી નાખવામાં આવી છે. જો આવી જ રીતે બનાવવામાં આવેલી ફેન્સીંગ વારંવાર તોડી નાખવાની હોય તો અગાઉથી ચોક્કસ પ્લાનિંગ કરવું જોઈએ. જોકે લોકોના વેરાના નાણાનો આવી રીતે દૂરૂપયોગ થયો હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. એક જ કામના ત્રણ-ત્રણ વાર બિલ મંજૂર કરાવવાની ટેકનીક પાલિકા તંત્ર દ્વારા જ શીખી શકાય છે. જોકે ફેન્સીંગ તોડી નંખાયા બાદ તેનો કાટમાળ પણ તળાવ આસપાસ જેમનો તેમ પડી રહ્યો છે.