- સ્કૂલ સંચાલકો દાખલ કર્યા બાદ નીકળી ગયા, આ ગંભીર બેદરકારી છે : વિદ્યાર્થીના વાલી
- સ્કૂલ સંચાલકે લૂલો બચાવ કરતા કહ્યું, બાળકને કરંટ લાગ્યો છે, પરંતુ તેની સ્થિતિ સારી છે, ચોમાસાના કારણે આ ઘટના બની છે
વડોદરાના ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે આવેલ સ્કૂલમાં અભ્યાસ કરતાં બોરીયાદ ગામનાં વિદ્યાર્થીને સ્કૂલ પરિસરમાં વીજ કરંટ લાગતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરાતા તેની તબિયત સ્થિર છે. જાેકે ઘટનાને લઈ સ્કૂલ સંચાલક કંઈ પણ થયું નથી તેવું કહી પોતાનો બચાવ કરી રહ્યા છે.
વડોદરાના ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે આવેલ નોબલ પબ્લિક સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં બોરીયાદ ગામનાં કાર્તિક દિપકકુમાર પરમાર (ઉં.વ.12)ને સ્કૂલ પરિસરમાં વીજ કરંટ લાગતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર અર્થે ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં વિદ્યાર્થીની તબિયત સ્થિર છે. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાને લઈ સ્કૂલ સંચાલક કંઈ પણ થયું નથી તેવું કહી પોતાનો બચાવ કરી રહ્યા છે.
સ્કૂલ પરિસરમાં બનેલી આ ઘટનને લઈ સ્કૂલનાં કર્મચારીઓ બાળકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. ત્યારે ત્યાં ઉપસ્થિત વાલી અને અન્ય લોકોએ કર્મચારી અને સંચાલકને વિગતો પૂછતાં વહીવટી તંત્રની બેદરકારીના આકરાં સવાલો પૂછ્યા હતાં. જેનો જવાબ સ્કૂલના વ્યવસ્થાપકો આપી શક્યાં ન હતાં અને કોઈ જવાબદારી લીધી ન હતી. પરિણામે હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ નોબલ પબ્લિક સ્કૂલનાં સંચાલક અહેમદ માધવાણીનો ઉપસ્થિત વાલીઓએ ઘેરાવો કર્યો હતો અને મોટો હોબાળો મચાવ્યો હતો.
આ અંગે વિદ્યાર્થીના વાલી દીપકભાઈ પરમારે જણાવ્યું હતું કે, મારો છોકરો ધોરણ 7માં અભ્યાસ કરે છે. મારા સ્કૂલવાન ડ્રાઈવરનો કોલ આવ્યો હતો કે, તમે તાત્કાલિક પ્રમુખસ્વામી હોસ્પિટલ તાત્કાલિક પહોંચો તેને કરંટ લાગ્યો છે. મેં પૂછ્યું કઈ રીતે લાગ્યો તો કહ્યું કે, ગાર્ડનમાં રિશેષમાં રમતી વખતે થાંબલાને અડી જતા કરંટ લાગ્યો છે અને તેને હોસ્પિટલમાં લાવવા માટે નીકળી ગયા છીએ. મેં ઘણીવાર રાહ જોઈ છતાં ન આવતા ફરી કોલ કરતા ત્યાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી પછી આઇસીયુમાં લઈ જવાનું કહેતા આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્કૂલના સંચાલકો આવ્યા હતા અને દાખલ કર્યા બાદ નીકળી ગયા હતા. સ્કૂલની આ ગંભીર બેદરકારી છે. જે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી. હજારો બાળકો ભણવા જાય છે, આજે મારા બાળકને થયું છે. પરંતુ સદનસીબે કઈ જાનહાનિ થઈ નથી. એટલે કાલે બીજા કોઈ છોકરા સાથે પણ થઈ શકે છે એટલે નિષ્કાળજી સ્કૂલની છે.
આ અંગે સ્કૂલ સંચાલક અહેમદ માધવાણીએ જણાવ્યું હતું કે, આ સામાન્ય વીજ કરંટ લાગ્યો છે. બાળકને કરંટ લાગ્યો છે, પરંતુ તેની સ્થિતિ સારી છે. બાળકને પ્રમુખસ્વામી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. ચોમાસાના કારણે આ ઘટના બની છે. હાલ 24 કલાક આઇસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. અન્ય કોઈ ખતરો નથી. તેવું કહી પોતાનો લુલો બચાવ કર્યો હતો.