આજે પરશુરામ જયંતિ : વડોદરામાં આર્યવ્રત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી

પરશુરામજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત બ્રાહ્મણો જોડાયા

MailVadodara.com - Parashuram-Jayanti-today-Procession-by-Aryavrata-Brahmo-Samaj-and-Brahmo-Samaj-in-Vadodara

- વાઘોડિયા રોડ સૂર્યનારાયણ ગ્રાઉન્ડથી સમસ્ત બ્રહ્મ સમાજ અને નિઝામપુરામાં આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી


વડોદરામાં આજે પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વાઘોડિયા રોડ સૂર્યનારાયણ ગ્રાઉન્ડથી સમસ્ત બ્રહ્મ સમાજ અને નિઝામપુરામાં આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 

આજે ભગવાન પરશુરામ જયંતિ નિમીત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વાઘોડિયા રોડ સૂર્યનારાયણ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી બ્રહ્મ સમાજ દ્વારા જય પરશુરામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારા, ડી.જે. સાથે વાજતે-ગાજતે નીકળેલી ભવ્યાતિભવ્યા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત બ્રાહ્મણો જોડાયા હતા.


પરશુરામના જય જય કાર સાથે માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રામાં ટુ-વ્હિલર ઉપર કેસરીયા ધજા સાથે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે બાઇકસવાર પોલીસ ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવહાર ન ખોરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉથીજ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. પરિણામે શોભાયાત્રા કોઇ પણ જાતના ટ્રાફિક વિઘ્ન વિના પસાર થઇ હતી.


ભગવાન પરશુરામની શોભાયાત્રામાં પરશુરામના વિશાળ કટઆઉટે આકર્ષણ  જમાવ્યું હતું. ડભોઇના ધારાસભ્ય અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ મહેતા (સોટ્ટા), ડો. વિજય શાહ સહિત અગ્રણીઓ જોડાયા હતા. સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી પરશુરામની ભવ્ય શોભાયાત્રા પાણીગેટ, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ થઇ અમદાવાદી પોળ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાઆરતી સાથે શોભાયાત્રા સંપન્ન થઇ હતી.


આ ઉપરાંત શહેરના નિઝામપુરા ખાતે પણ આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમીત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પણ સાંસદ રંજનબહેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને આર્યવ્રત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સવારના સમયે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ નિઝામપુરા વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

નિઝામપુરા વિસ્તારમાં વાજતે-ગાજતે નીકળેલી આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદથી ગુંજી ઉઠી હતી. કેસરીયા ધજા-પતાકા સાથે નીકળેલી શોભાયાત્રામાં નાના બાળકોથી મોટેરાઓ જોડાયા હતા. ભવ્ય શોભાયાત્રાના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments