- ટેન્કર પણ સળી ગઇ છતાં કોર્ટમાંથી નિકાલ ન આવ્યો, ફાયર બ્રિગેડે તાત્કાલિક લીકેજ બંધ સંભવિત જોખમને ટાળ્યું, ટેન્કરનો નિકાલ કરવા માંગ
શહેરના મકરપુરા પોલીસ દ્વારા વર્ષો પહેલા ઝડપી પાડવામાં આવેલ કેમિકલ ભરેલી ટેન્કર તરસાલી બાયપાસ કુમાર છાત્રાલય નજીક રાખવામાં આવી હતી. આ ટેન્કરમાંથી આજે સવારે કેમિકલ લીકેજ થતા વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ટેન્કરમાંથી લીકેજ થયેલું કેમિકલ મોટું જોખમ ઉભું કરે તે પહેલાં ફાયર બ્રિગેડ દ્વારા લીકેજ બંધ કરી દીધું હતું અને સંભવિત જોખમને ટાળ્યું હતું. લીકેજ બંધ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે શહેરના મકરપુરા પોલીસ દ્વારા વર્ષો પૂર્વે કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. અને ગુનાના કામે કબજે લેવાયેલો મુદ્દામાલ તરસાલી બાયપાસ નજીક રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, મકરપુરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવતો કેટલોક મુદ્દામાલ તરસાલી બાયપાસ નજીકના વિસ્તારમાં રાખવામાં આવે છે.
મકરપુરા પોલીસ દ્વારા વર્ષો પહેલા કબજે લેવામાં આવેલ કેમિકલ ભરેલું ટેન્કર તરસાલી બાયપાસ પાસે કુમાર છાત્રાલય નજીક મુકવામાં આવ્યું હતું. કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ છતાં, પોલીસ દ્વારા જોખમી કેમિકલ ભરેલ ટેન્કર તેમજ એક લક્ઝરી બસ કુમાર છાત્રાલય નજીક મુકવામાં આવી હતી. આ કેમિકલ ભેરલ ટેન્કરમાંથી શનિવારે સવારે કેમિકલ લીક થતાં ટેન્કરમાંથી ધુમાડા નીકળવાની સાથે વિસ્તારમાં દુર્ગંધની શરૂઆત થઈ હતી.
સળી ગયેલી ટેન્કરની ટાંકીમાંથી ધુમાડા અને દુર્ગંધ મારતા નજીકમાં રહેતા રહીશો અને કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ટેન્કર કોઇ જોખમ ઉભું કરે તે પહેલાં નજીકમાં ચાની લારી ચલાવતા મનિષાબેન ભાટિયાએ ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત જ લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને ટેન્કરમાંથી લીકેજ થતું કેમિકલ બંધ કરી દીધું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેમિકલ ભરેલી ટેન્કર રહેણાંક વિસ્તારના લોકોના જીવની પરવા કર્યા વગર કોઈ પણ જાતની સુરક્ષા વગર મૂકી દેવી અને ત્યારબાદ તે તરફ કોઈ પણ જાતની તસ્દી ન લેવી તે બાબત આવનાર દિવસોમાં મોટી ઘટનાના સંકેત આપે છે. વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, દર વર્ષે વરસાદ વરસે છે અને કેમિકલની ટેન્કરમાંથી દુર્ગધ સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળે છે. જે દર્શાવે છે કે ટેન્કરમાં રહેલ કેમિકલ જ્વલંતશીલ છે અને નજીકમાં જ કુમાર છાત્રાલય આવેલું છે. સ્થાનિકોએ આ કેમિકલ ભરેલા ટેન્કરનો વહેલી તકે નિકાલ કરવા માંગણી કરી હતી.