- કંપનીના વાર્ષિક ઓડિટમાં પકડાઇ ન જવાય તે માટે મોનલ પરીખે ખોટા અને બનાવટી સ્ટેટમેન્ટ ઉભા કરી રેકોર્ડ ઉપર તેને સાચા દર્શાવ્યા
વડોદરાના પાદરામાં આવેલી બે કંપનીમાં નોકરી કરતા ભેજાબાજ એકાઉન્ટન્ટે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કંપનીના ત્રણ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 83.74 કરોડ અલગ-અલગ સમયે પોતાના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. પાદરા પોલીસે ભેજાબાજ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાદરામાં નારાયણ પાવર ટેક કંપની અને એમટ્રોન મેગ્નેટીક્સ પ્રાઇવેટ લિમીટેડ કંપની આવેલી છે. આ કંપનીનું કામ કરતા મોનલ પ્રજેશકુમાર પરીખ (રહે. એ-2, યોગીરાજ ટેનામેન્ટ, અટલાદરા રોડ, વડોદરા) વર્ષ-2018 થી 12-5-023ના સમયગાળા દરમિયાન પોતાના યશ બેંક, આઇ.સી.આઇ.સી.આઇ. અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં કંપનીના રૂપિયા 83,74,50,010 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.
આ બનાવની પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર કંપનીના કર્મચારી નીલ મુકેશભાઇ શાહે (રહે. 36, નિલકંઠ સોસાયટી, દિવાળીપુરા, વડોદરા)એ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, ઉચાપત કરનાર મોનલ પરીખે કંપનીમાં થતાં વાર્ષિક ઓડિટમાં પકડાઇ ન જવાય તે માટે ખોટા અને બનાવટી સ્ટેટમેન્ટ ઉભા કરી રેકોર્ડ ઉપર તેને સાચા દર્શાવ્યા હતા. ઉપરાંત કમ્પ્યુટરના ટેલી સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ બતાવી કંપનીના વાર્ષિક ઓડિટમાં પોતે તૈયાર કરેલા ખોટા અને બનાવટી બેંક લેટરપેડ ઉપર બેંકના સહી-સિક્કા કરી ઓડિટમાં સાચા તરીકે દર્શાવ્યા હતા. કંપની સાથે રૂપિયા 83,74,50,010ની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.
કંપની સાથે થયેલી રૂપિયા 83.74 કરોડ ઉપરાંતની છેતરપિંડી કંપનીના સત્તાવાળાઓના ધ્યાન ઉપર આવતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવ અંગે કંપનીમાં નોકરી કરતા નિલ મુકેશભાઇ શાહે પાદરા પોલીસ મથકમાં મોનલ પ્રજેશકુમાર પરીખ સામે ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ભેજાબાજ મોનલ પરીખ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવી કરી રહ્યા છે. ભેજાબાજ આરોપી ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.