- પાદરામાં 9 હજાર, કરજણમાં 5 હજાર અને ડભોઇમાં 9 હજાર કનેક્શન મળશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેઈલની બનેલી સંયુક્ત ગેસ કંપની વીજીએલ દ્વારા તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા, ડભોઇ અને કરજણમાં પાઇપલાઇનથી ઘરગથ્થુ ગેસના જોડાણ આપવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે થોડા સમય બાદ ગેસ જોડાણ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. પાદરામાં 10.75 કરોડના ખર્ચે પાઇપલાઇનના ઘરગથ્થુ ગેસ કનેક્શન આપવામાં આવશે. પાદરામાં છેલ્લા 30 વર્ષથી ગેસ લાઇન નાખવા માટે માંગણી કરવામાં આવી રહી હતી. હવે આ માગણીનો ઉકેલ આવતા ગૃહિણીઓને ગેસની બોટલ લેવા માટે કરવામાં આવતી દોડાદોડીમાંથી છુટકારો મળશે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર પાદરામાં આશરે 9000 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી 7,500 જેટલા જોડાણ અપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત 15 જેટલા ઔદ્યોગિક જોડાણ તેમજ કોમર્શિયલ જોડાણ પણ અપાશે. પાદરા પાસે ગેસ લાઇન પસાર થાય છે, અને ત્યાંથી ટેપિંગ દ્વારા જોડાણ આપી શકાશે. વડોદરાથી પણ એક લાઈન પાદરા નખાય તેવી શક્યતા છે. પાદરા ઉપરાંત કરજણમાં 5,000 અને ડભોઇમાં આશરે 9000 ગેસ કનેક્શન આપવામાં આવશે. કરજણ, પાદરા અને ડભોઇ વિસ્તારમાં ઔદ્યોગિક જોડાણ પણ મળશે તેવી ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વીજીએલએ આશરે 25,000 નવા ગેસ જોડાણ ચાલુ કર્યા છે. હાલ ગોરવા, ગોત્રી, મકરપુરા, ભાયલી, તરસાલી, સોમા તળાવ, વાઘોડિયા રોડ, આજવા રોડ, ડભોઇ રોડ, પ્રતાપ નગર, વીઆઇપી રોડ વગેરે વિસ્તારમાં કનેક્શન આપવામાં આવી રહ્યા છે. નવા નાણાકીય વર્ષ 2024-25 માં આશરે 20 હજાર નવા ગેસ કનેક્શન આપવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વડોદરામાં પાઇપલાઇન ગેસનું નેટવર્ક વર્ષો જૂનું છે. શહેરના જે જુના વિસ્તારો છે, ત્યાં પાઇપલાઇનનું જૂનું નેટવર્ક હોવાથી ગેસના પ્રેશર ના પ્રશ્નો રહેતા હતા.
જેને ધ્યાનમાં રાખીને રાજ સ્તંભ સોસાયટી, નવાપુરા, ગાજરાવાડી, ગોરવા, સુભાનપુરા, નાગરવાડા, દાંડિયા બજાર વગેરે વિસ્તારમાં જુના કનેક્શન પાઇપલાઇનના નવા નેટવર્ક પર ટ્રાન્સફર કરવામાં આવતા પ્રેશરના પ્રશ્નો પણ સુધર્યા છે. આશરે 22 કિલોમીટર જુની લાઈન બદલવામાં આવી છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વીજીએલના આશરે 2.45 લાખ કનેક્શન છે.