- પોલીસે દારૂ બનાવવાના 3 બેરલ, પ્લાસ્ટીકના બેરલ નંગ 9 અને 15 લિટર દેશી દારુ પાઇપ 2, એલ્યુમીનીયમની બરણી નંગ 1 મળી કુલ 4,440નો મુદ્દામાલ કબજે કર્યો
- દારૂ બનાવવા માટે વપરાતો 1800 લિટર વોશ (આથો) સ્થળ ઉપર નાશ કરાયો
વડોદરા શહેરની આસપાસમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વડસર નદી કિનારે ચાલતી કામગીરીનુ નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા. જેના અનુસંધાનમાં આજે (5 એપ્રિલ) વહેલી સવારે PCB એ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓથી અજાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે.
મળેલી માહિતી પ્રમાણે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની વડસર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે શુક્રવારે સાંજે નિકળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ જોઇ ચોંકી ઉઠ્યા હતા. તેમણે આ અંગેની જાણ પોલીસ કમિશનરને કરી હતી. સાથે દારૂની ભઠ્ઠીઓના ફોટા પણ મોકલાવ્યા હતા.
આ દરમિયાન આજે સવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અનુસાર PCBના પી.આઇ. સી.બી.ટંડેલે સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના જારી કરી હતી. દરમિયાન પી.સી.બી.ના એ.એસ.આઇ હેંમત તુકારામને બાતમી મળી હતી કે, વડસર બિલ્લા બોંગ સ્કૂલ પાછળ પાર્લમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂપડામાં રહેતો વિક્રમ ખોડસીંગ ઠાકોર નામનો ઇસમ તેના ઝુપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે અને હાલમાં ભઠ્ઠી ચાલુ છે.
જે બાતમીના આધારે માહીતીવાળી જગ્યા વિશ્વામિત્રી નદીના કોતરોમાં રેઇડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સાથે દારૂ બનાવવાનો સામાન પણ કબજે કર્યો હતો. જોકે, વિક્રમ સાથે કામ કરનાર મિનાક્ષી વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફ ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા. પીસીબીએ આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દરોડા દરમિયાન દારૂ બનાવવા માટેના 3 બેરલ, પ્લાસ્ટીકના બેરલ નંગ 9, પ્લાસ્ટીકના કારબા 7, પાઇપ 2, એલ્યુમીનીયમની બરણી નંગ 1, પ્લાસ્ટીકનું તગારૂ નંગ 1, પ્લાસ્ટીકનું ડબલુ (ટબલર) નંગ 1 અને 15 લિટર દેશી દારુ મળી કુલ રૂપિયા 4,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ બનાવવા માટે વપરાતો 1800 લિટર વોશ (આથો) સ્થળ ઉપર નાશ કર્યો હતો.