બકરાવાડીમાંથી પીસીબી પોલીસે દરોડો પાડી ૩.૩૫ લાખનો દારૂ સાથે એકને ઝડપ્યો, 4 વોન્ટેડ જાહેર

સ્ટેટ મોનિટરીંગ સેલ અને પીસીબીને દારૂ મળે છે, પરંતુ નવાપુરા પોલીસને નહીં!!

MailVadodara.com - PCB-Police-raided-from-Bakrawadi-arrested-one-with-liquor-worth-3-35-lakhs-4-wanted-declared

- બૂટલેગર વિરલ મિસ્ત્રી સામે અગાઉ પ્રોહિબિશન ઉપરાંત આર્મ્સ એક્ટના મળી ૧૪ ગુના નોંધાયા છે, તેમજ એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે


વડોદરાના બકરાવાડીમાં સ્ટેટ મોનિટરીંગ સેલ અને પીસીબી પોલીસ દારૂની રેડ પાડીને બૂટલેગરોને ઝડપી પાડે છે. પરંતુ, નવાપુરા પોલીસને દારૂ કે બૂટલેગર મળતા નથી. એક વર્ષ પહેલા બકરાવાડીના નાડિયાવાસમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે બૂટલેગર વિરલ મિસ્ત્રીનો દારૂ પકડયો હતો. આજે પીસીબીએ પણ તે જ વિસ્તારમાંથી વિરલ મિસ્ત્રીનો જ દારૂ પકડયો છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, નવાપુરા પોલીસને દારૂ મળતો નથી.


પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બૂટલેગર વિરલ મિસ્ત્રી તથા ભાવિન દારૂનો ધંધો કરે છે. આજે ભાવિન તથા સુનિલ એક કાળા કલરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ લાવવાના છે. તેઓ દારૂનો જથ્થો બકરાવાડીના નાડિયાવાસ માતાજીના મંદિરની ગલીમાં રહેતા જયાબેન ચંદ્રકાંતભાઇ સોલંકીના ઘરમાં ઉતારવાના છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ચિરાગ અમૃતભાઇ પરમાર ( રહે. ૧૮ ક્વાટર્સ, સાંઇબાબા મંદિર સામે, નવાપુરા) ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૂની ૨,૩૯૯ બોટલ કિંમત રૂપિયા ૩.૩૫ લાખ, કાર, બે મોપેડ મળી કુલ રૂપિયા ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી વિરલ મિસ્ત્રી, બંટી સોલંકી, સુનિલ પરમાર તથા ભાવિનને વોન્ટેડ જાહેર કર્યા છે. વિરલ મિસ્ત્રી સામે અગાઉ પ્રોહિબિશન ઉપરાંત આર્મ્સ એક્ટના મળી કુલ ૧૪ ગુનાઓ નોંધાયા છે. તેમજ એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૩ - ૦૭ - ૨૦૨૩ ના રોજ બકરાવાડીમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિરલ મિસ્ત્રીનો જ ૧.૩૦ લાખનો દારૂ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. તાજેતરમાં વાડી પોલીસ દ્વારા બૂટલેગરોને છાવરવાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનનો ડીસ્ટાફ શંકાના દાયરામાં આવે છે. વિરલ મિસ્ત્રી દારૂનો ધંધો કરે છે. ત્યારે તેનો દારૂ નવાપુરા પોલીસ પકડતી નથી.

Share :

Leave a Comments