- આ ઉપરાંત કમાટીબાગમાં 8 નીલગાય અને હરણ તેમજ કોર્પોરેશનના ખટંબા ખાતે આવેલ ઢોરવાડામાં 12 જેટલી ગાયોના મોત નીપજ્યા હતા
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. તંત્ર દ્વારા લોકોને બચાવવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને બચાવવામાં સફળ પણ રહ્યું છે પરંતુ, મૂંગા પશુઓને બચાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. શહેરના વુડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ ખાનગી ગૌશાળામાં પૂરના પાણી ફરી વળતાં ગૌશાળામાં બાંધેલી નાની-મોટી 50 જેટલી ગાયોના ડૂબી જવાથી મોત થયા છે.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરમાં તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે તમામ શક્તિ અને મશીનરી કામે લગાવી દીધી હતી પરંતુ, તંત્ર મુંગા પશુઓને બચાવવામાં થાપ થઈ ગઈ છે. જેના કારણે વડોદરા શહેરમાં આવેલી ખાનગી ગૌશાળામાં રહેતી 50 ઉપરાંત ગાયો, કમાટીબાગમાં 8 જેટલી નીલગાય અને હરણ તેમજ વડોદરા કોર્પોરેશનના ખટંબા ખાતે આવેલ ઢોરવાડામાં 12 જેટલી ગાયોના મોત નીપજ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ ખાનગી ગૌશાળામાં રહેતી ગાયોના મૃતદેહોને આજે ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને દાટી દેવામાં આવી હતી. ખાનગી ગૌશાળામાં 50 જેટલી ગાયોના મોત નીપજતાં હાહાકાર મચી ગયો છે.
મળેલી માહિતી પ્રમાણે આ ગૌશાળામાં શહેરમાં રહેતા પશુપાલકો દ્વારા મોટી ઉંમરની થઈ ગયેલી ગાયોને છોડી જતા હોય છે. આ ઉપરાંત દાતાઓ દ્વારા પણ આ ગૌશાળાઓમાં ગાયોને દાન આપવામાં આવતી હતી. જે ગાયો પૈકી 50 જેટલી ગાયોના પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી કમાટીબાગમાં ફરી વળતા 8 જેટલી નીલગાય અને હરણના મોત નીપજ્યા છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનના ખટંબા ખાતે આવેલા ઢોરવાડામાં પણ પૂરના પાણી ફરી વળતાં 12 ગાયોના મોત નિપજ્યા છે. આમ વિનાશક પૂરે મુંગા પશુઓને પણ છોડ્યા નથી.