- મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે 13,703 મકાનમાં ફોગિંગ કરાયું
વડોદરામાં વરસાદ બાદ ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા સહિત કોલેરા જેવા રોગો જોવા મળી રહ્યાં છે. ગઈકાલે ડેન્ગ્યુના 5 કેસ બાદ આજે વધુ બે કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડેન્ગ્યુના કેસ માટે વધારે દર્દીઓ ધરાવતાં 17 શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરાનો સમાવેશ કરાયો હતો ત્યારે સરકારની આ ચિંતા વચ્ચે શહેરમાં ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે મલેરિયાના 3, ચિકનગુનિયાનો એક કેસ અને ડેન્ગ્યુના 2 દર્દી નોંધાયા છે. બીજી તરફ પાણીજન્ય કોલેરાનો એક કેસ સામે આવ્યો છે.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શહેરમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 22 દર્દીઓ નોંધાયા છે, જે પૈકી 2 દર્દી પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 9 દર્દીઓ શંકાસ્પદ નોંધાયા છે જેમાથી એક પોઝીટીવ આવ્યો છે. બીજી તરફ મલેરિયાનાં લક્ષણો ધરાવતા 1046 દર્દીઓ પૈકી ત્રણ દર્દી પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં 6 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જે પૈકી એક દર્દીઓ પોઝિટિવ આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયા મુજબ અકોટા રોડ જેતલપુરના 27 વર્ષના પુરુષને કોલેરા પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી બે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આજે 35927 ઘરમાં તપાસ કરવામાં આવી છે. જ્યારે 13703 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ મચ્છરના પોળા મળતાં 6 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.