વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી. ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન તા. 14/12/2024ના રોજ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર તથા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એકટ કલમ 138ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિ ના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશીષ્ટ પાલનના દાવા), વગેરે કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.
વધુમાં સી.સી.ટી.વી. કંટ્રોલરૂમ, ટ્રાફીક પોલીસ, વડોદરા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ ઈ-ચલણ આપવામાં આવે છે. આ ઈ-ચલણ તથા ઓફલાઈન માઘ્યમથી પોલીસ ભવન આસાન કેન્દ્ર, નાયબ પોલિસ કમિશ્નરની કચેરી, કારેલીબાગ, વડોદરા ખાતે ભરી શકાશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણાં માટેની કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહીં, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.
નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના ફેસલા થશે. તેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરાનો તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.