સયાજી હોસ્પિટલમાં 8 માસની બાળકીની અન્નનળીમાં ફસાયેલી ખુલ્લી સેફ્ટી પીન સર્જરી બાદ બહાર કઢાઇ

નાની ઉંમરના બાળકોનાં માતા-પિતા માટે આ એક ચેતવણી આપતો કિસ્સો

MailVadodara.com - Open-safety-pin-stuck-in-esophagus-of-8-month-old-girl-discharged-after-surgery-at-Sayaji-Hospital

- 3 દિવસથી બાળકીને મો માંથી લોહી નીકળવાની સમસ્યા સાથે બાળકોનાં વિભાગમાં લવાઇ હતી, એક્સ-રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હતી

ત્રણ દિવસથી મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યાની તપાસ કરતાં 8 મહિનાની બાળકીની અન્નનળીમાં સેફ્ટી પિન ફસાયેલી હોવાનું જણાતા SSGમાં સફળ સર્જરી કરવામાં આવી હતી.

દિવ્યા રાઠોડ નામની ફક્ત 8 મહિનાની બાળકી જે નડિયાદ ગામ (જંબુસર તાલુકો, જિલ્લો ભરૂચ) રહેવાસી છે તથા તેનું વજન માત્ર 5.65 કિલોગ્રામ છે. તે 3 દિવસથી મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે એસએસજી હોસ્પિટલનાં બાળકોનાં વિભાગમાં તારીખ 19/02/2025ના રોજ સવારે આવી હતી. બાળકીનાં શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે (ફક્ત 5 ટકા), તદુપરાંત તે સિકલ સેલ એનીમિયાથી પીડિત પણ છે. બાળકોનાં વિભાગમાં ડૉ.પરેશ ઠકકરે તપાસ કરી અને એક્સ-રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હતી, જે કેટલા સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ હશે તેની જાણ માતા-પિતાને ન હોતી.

આ અંગેનું નિદાન થતાની સાથે તુરંત બાળકીને લોહી ચડાવીને સર્જરી માટે લેવામાં આવ્યું, જેમાં એસએસજી હોસ્પિટલનાં કાન, નાક અને ગળા વિભાગનાં વડા ડૉ.રંજન ઐયરનાં માર્ગદર્શન હેઠળ ઈએનટી સર્જન ડૉ.જયમન રાવલ અને ટીમ તથા એનેસ્થેટીસ્ટ ડૉ.યોગિતા અને તેમની ટીમ સાથે ઇસોફેગોસ્કોપી નામની સર્જરી વડે બાળકીની અન્નનળીમાં ફસાયેલી ખુલ્લી સેફ્ટી પિન જે લાંબા સમયથી અંદર રહેલી હોવાના કારણે કટાઈ ગઈ હતી. તેને દૂરબીનની મદદથી જટિલ સર્જરી દ્વારા વધારે રક્તસ્ત્રાવવાળી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં દર્દીને રક્તસ્ત્રાવ, દુખાવો કે ગભરામણ જેવા કોઈ લક્ષણો નથી અને બાળકોનાં વિભાગમાં ડૉ.પરેશ ઠક્કરની સારવાર હેઠળ છે. 

તમામ નાની ઉંમરના બાળકોનાં માતા-પિતા માટે આ એક ચેતવણી આપતો કિસ્સો છે. બાળકો રમત-રમતમાં આજુબાજુ રહેલી કોઈપણ નાની વસ્તુને લઈને પોતાના મોંમાં નાખી ના દે તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો આ પ્રકારની તકલીફનું નિદાન અને સારવાર ઝડપથી કરવામાં ન આવે તો બાળકને ગંભીર નુકશાન પહોંચી શકે છે.

Share :

Leave a Comments