- ખુલ્લી વરસાદી ચેનલો ચોમાસામાં સલામતીની દ્રષ્ટિએ લોકો માટે ખૂબ જ જોખમી
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે બનાવવામાં આવેલી અને રહેણાંક વિસ્તારો વચ્ચેથી પસાર થતી વરસાદી ચેનલો રસ્તાને સમાંતર હોવાથી ચોમાસામાં જળબંબાકારની સ્થિતિમાં સલામતીની દ્રષ્ટિએ ખૂબ જોખમી બની જાય છે. આવી ચેનલો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઢાંકી દેવા માટે રજૂઆતો થતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ ત્રણ સ્થળે આવી ચેનલો આશરે 4.41 કરોડના ખર્ચે ઢાંકી દેવા ત્રણ દરખાસ્તને મંજૂરી આપી છે.
શહેરના પશ્ચિમ ઝોનમાં પ્રથમ ઉપવન પાસેથી સનફાર્મા રોડ પર પાકો ખુલ્લો આર.સી.સી. વાસણા-બાંકો કાંસ (ઈંટોના ચણતરવાળો) આવેલ છે. આ ખુલ્લી ચેનલની આજુબાજુ રહેણાંક વિસ્તાર તેમજ સમાંતર રસ્તો હોવાથી લોકોની સલામતીના પ્રશ્નો ઊભા થાય છે જેથી સ્લેબ ભરી ચેનલને કવર્ડ કરવામાં આવશે. આ ચેનલ 30 મીટર રસ્તાને અડીને આવેલ હોવાથી ભવિષ્યમાં આ રસ્તે ભારે વાહનોના હેવી ટ્રાફીકને ધ્યાનમાં લેતા આ ચેનલ હેવી ટ્રાફીક લોડ લઈ શકે તેમ ન હોવાથી ઈંટના ચણતર સાથેની પાકી ચેનલને તોડીને ત્યાં 150 રનીંગ મીટર લંબાઈમાં નવી આર.સી.સી. કવર્ડ ચેનલ બનાવવા 2.25 કરોડનો ખર્ચ થશે. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં યોગીનગર પાસેથી પ્રિયા ટોકીઝ તરફ ખુલ્લી આર.સી.સી. ગોત્રી-ભાયલી કાંસ(પાકી ચેનલ) આવેલ છે.
આ ખુલ્લી ચેનલની આજુબાજુ રહેણાંક વિસ્તાર તેમજ સમાંતર રસ્તો હોવાથી લોકોની સલામતીનો પ્રશ્ન ઊભો થાય છે. આ ચેનલ ઉપર સ્લેબ ભરી ચેનલને કવર્ડ કરવાની રજુઆતો આવેલ છે. જે માટે 1.29 કરોડ ખર્ચ થશે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં જ ગોત્રી તળાવથી નારાયણ ગાર્ડનવાળા રસ્તા પર રસ્તાની પશ્ચિમ દિશા તરફ ખુલ્લી આર.સી.સી. ઊંડેરા-ગોત્રી કાંસ (પાકી ચેનલ) આવેલ છે. આ ખુલ્લી ચેનલની આજુબાજુ પણ રહેણાંક વિસ્તાર તેમજ સમાંતર રસ્તો હોવાથી જોખમી છે જેથી સ્લેબ ભરી ચેનલને કવર્ડ કરવા 85.98 લાખનો ખર્ચ કરવામાં આવશે. વરસાદી ચેનલ પર સ્થળ- સ્થિતિની જરૂરીયાત મુજબ નારાયણ ગાર્ડનથી ગોત્રી રોડ તરફ રસ્તાને અડીને આવેલ ભાગોમાં અલગ-અલગ સ્થળો પર કુલ 230 રનીંગ મીટર લંબાઈમાં સ્લેબ ભરવામાં આવશે.