- અમદાવાદના 57, ભાવનગરના 52 અને સુરતના 43 ઉમેદવાર નોકરી મેળવવામાં સફળ રહ્યાં
વડોદરા કોર્પોરેશન દ્વારા તાજેતરમાં 525 જુનિયર ક્લાર્કોની ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં વડોદરાના માત્ર 20 ઉમેદવાર જ પસંદ થયા છે. જ્યારે અમદાવાદના 57, ભાવનગરના 52 અને સુરતના 43 ઉમેદવાર નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરાના યુવાનો-યુવતીઓ સ્થાનિક સ્તરે નોકરી મેળવવામાં કેમ નિષ્ફળ નિવડ્યા તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનમાં પડી રહેલી કર્મચારીઓની ઘટ પુરવા માટે થોડા સમય પહેલાં જુનિયર ક્લાર્કોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 552 જગ્યા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 1.09 લાખ ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. જોકે, જે પૈકી જુનિયર ક્લાર્કની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરિક્ષામાં 42,269 ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.
પરિક્ષા લેવાયા બાદ પાસ થયેલા ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવી હતી. જે બાદ સર્ટિફિકેટ વેરીફીકેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 525 ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેઓને તાજેતરમાં તારીખ 3 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એપોઈમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. એપોઈમેન્ટ લેટર મળ્યા બાદ મોટા ભાગના ઉમેદવારો કોર્પોરેશનમાં હાજર થઇ ગયા છે અને નોકરી પણ શરૂ કરી દીધી છે.
નોંધનીય બાબત એ છે કે, વડોદરા કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક તરીકે ભરતી થયેલા ઉમેદવારોમાં વડોદરાના માત્ર 20 ઉમેદવાર જ પસંદ થયા છે. જ્યારે અમદાવાદના-57, ભાવનગરના-52, સુરતના-43, અમરેલીના- 9, આણંદના-7, અમરેલીના-12, બનાસકાંઠાના-34, ભરૂચના-5, બોટાદના-9, છોટાઉદેપુરના-1, દાહોદના-7, દ્વારકાના-6, ગાંધીનગરના-26, ગીરસોમનાથના-27, જામનગરના-13, જૂનાગઢના-8, ખેડાના-5, કચ્છના-3, મહેસાણાના 34, મહિસાગરના 10, મોડાસાના-1, મોરબીના-7.નર્મદાના-1, નવસારીના-10, પંચમહાલના-7, પાટણના-22, પોરબંદરના-2, રાજકોટના-26, સાબરકાંઠાના-18, સુરેન્દ્રનગરના- 20, તાપીના-9, અને વલસાડના-7 ઉમેદવારોની પસંદગી થઇ છે.
ઉલ્લેખનિય બાબત છે કે, વડોદરા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. છતાં, વડોદરા કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની ભરતી માટે ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા લેવામાં આવેલી પરિક્ષામાં વડોદરાના પણ અનેક ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. પરંતુ, માત્ર 20 ઉમેદવારો જ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની નોકરી મેળવવામાં સફળ રહ્યા તે એક વિચારવા જેવો પ્રશ્ન છે.