- ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી 26 એપ્રિલે કોર્પોરેશન ખાતે યોજાવાની હતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વર્ગની ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી તારીખ 26 એપ્રિલે કોર્પોરેશન ખાતે યોજાવાની હતી, પરંતુ એક જ મહિલા ઉમેદવારે ફોર્મ ભરેલું હતું અને તે માન્ય રહેતા તેમને બિન હરીફ વિજેતા જાહેર કર્યા છે.
આ ચૂંટણી માટે તારીખ 12 ની બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાની મુદત હતી. જેમાં ભાજપમાંથી માત્ર એક જ ફોર્મ ભરાયું હતું. આ ફોર્મ મહિલા ઉમેદવાર નીપાબેન પટણીએ ભર્યું હતું. નીપાબેન શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ હિતેશ પટણીના પત્ની છે. તારીખ 19 મી એ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેમનું ફોર્મ માન્ય રહ્યું હતું. તેમની સામે બીજો કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
હવે ચૂંટણી અધિકારી ડેપ્યુટી કમિશનર આની જાણ શિક્ષણ સમિતિને કરશે. શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાની જાણ રાજ્ય સરકારને કરશે અને રાજ્ય સરકાર ગેજેટમાં તેમનું નામ પ્રસિદ્ધ કરશે. શિક્ષણ સમિતિમાં 15 સભ્યો હોય છે. જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત હોય છે, અને ચૂંટણી 12 સભ્ય માટે યોજાતી હોય છે. આ 12માંથી 8 સભ્યો સામાન્ય વર્ગના હોય છે. આ આઠમાંથી એક સભ્ય હિતેશ પટણી કે તેઓ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા હતા, તેમનું થોડા વખત અગાઉ અવસાન થયું હતું. તેમના અવસાનથી જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજવાની હતી. કોંગ્રેસએ આ ચૂંટણી માટે ફોર્મ ભર્યું ન હતું .