- મિત્રોની નજર સામે મિત્ર તણાયો, યુવક ન મળતા પરિવારજનો ચિંતિત
- હાથ-પગ ધોવા ઉતરેલા જયદીપનો પગ લપસતાં પાણીમાં ગરકાવ, કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડ લાપતા યુવાનની શોધખોળ શરૂ કરી
શિનોર તાલુકાના દિવેર ગામે મઢી નજીક આવેલ વાલકેશ્વર આશ્રમ પાસે નર્મદા નદી કિનારે ફરવા આવેલ ચાર મિત્રો નર્મદા કિનારે પહોંચ્યા ત્યારે એક મિત્ર હાથ પગ મોઢું ધોવા નદીમાં ઉતર્યો હતો. ત્યારે તેનો પગ લપસતાં પાણીમાં ગરકાવ થઇ તણાઇ ગયો હતો. બીજો એક મિત્ર નર્મદા નદીમાં બચાવવા કૂદતાં એ પણ તણાવા લાગતાં નજીકમાં પશુ ચરાવતા રબારીએ દોડી આવીને લાકડીનો સહારો આપતાં તેનો બચાવ થયો હતો. નર્મદા નદીના ધસમસ્તા પાણીના પ્રવાહમાં લાપતા થયેલા યુવાનની કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, 24 કલાકની શોધખોળ બાદ પણ લાપતા યુવાનો હજુ કોઈ પત્તો મળ્યો નથી.
મળેલી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા અને ભરૂચ મનુબર ચોકડી પાસે રિલાયન્સ નર્મદા ટાઉનશીપમાં રહેતા ચાર મિત્રો મંથન વિજયકુમાર પટેલ (રહે. ગોધરા), જયદીપ લક્ષ્મણભાઈ બોપલિયા, હેમલ ચંદ્રકાંત પરમાર અને પ્રિતેશ મહેશભાઈ ગોહિલ શુક્રવારે જયદીપ બોપલિયાની કાર લઈને દિવેર નર્મદા કિનારે આવેલા વાલકેશ્વર આશ્રમ ખાતે ફરવા આવ્યા હતા.
આશ્રમમાં દર્શન કર્યા બાદ તમામ મિત્રો આશ્રમની ગોદમાંથી પસાર થતી નર્મદા કિનારે ફરવા માટે ગયા હતા. કેટલાક મિત્રો દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મૂળ મોરબી જિલ્લાના 426, સ્વામિનારાયણ નગર ગાળા-2 માં રહેતા 27 વર્ષીય જયદીપ લક્ષ્મણભાઈ બોપલિયાનો પગ નદી કિનારા પાસેની રેતીમાં લપસી જતા તે તણાવા લાગ્યો હતો, તેને જોતા તેનો મિત્ર પ્રિતેશ ગોહિલ પણ તેને બચાવવા પાણીમાં કૂદતા તે પણ વહેતા પાણીમાં તણાયો હતો. જોકે આ દરમિયાન બૂમાબૂમ થતાં નજીકમાં પશુ ચરાવતા દિવેરના લાલાભાઇ ભરવાડ દોડી આવતાં લાકડીનો સહારો આપતાં લાકડી પકડી પ્રિતેશ બહાર આવી ગયો હતો.પરંતુ જોતજોતામાં જયદીપ બોપલિયા નર્મદા નદીના વહેતા પાણીમાં મિત્રોની નજર સામે તણાઈને દૂર સુધી નીકળી ગયો હતો.
આ બનાવ અંગેની જાણ સાધલી પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ વર્ધાજી બળવંતભાઈ અને કરજણ ફાયર બ્રિગેડને જાણ થતાં જ લાશ્કરો તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ માટે વડોદરાની ફાયર બ્રિગેડની મશીન બોટની મદદ લેવામાં આવી હતી પરંતુ મશીન બોટ બગડી ગઈ હતી. બાદમાં કરજણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની મશીન બોટની મદદ લેવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી લાપતા યુવાનનો કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, નર્મદા નદીમાં લાપતા થયેલા જયદીપ બોપલિયાની શોધખોળ માટે આજે સવારથી જ કરજણ અને વડોદરા ફાયર બિગેડના લાશ્કરો કામે લાગ્યા છે. જોકે, 24 કલાક પછી પણ હજુ તેનો કોઈ પતો મળ્યો નથી. બીજી બાજુ આ બનાવની જાણ મિત્રો દ્વારા લાપતા જયદીપ બોપલિયાના પરિવારજનોને કરવામાં આવતા તેઓ દિવેર ખાતે દોડી આવ્યા હતા. લાપતા જયદીપનો 24 કલાક પછી પણ પતો ન મળતા પરિવારજનો ચિંતિત બની ગયા હતા.
આ બનાવ અંગે હાલ શિનોર પોલીસે નર્મદા નદીમાં યુવાન ગુમ થયાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે મિત્ર નર્મદા નદીમાં લાપતા થઈ જતા મિત્રો પણ ઘેરાશોકમાં ઘરકાવ થઈ ગયા છે. આ બનાવે દિવેર ગામમાં ચકચાર મચાવી મૂકી હતી.