- પકડાયેલો માત્ર 10 પાસ હુનૈન ખાંડા કમિશન આપીને બેંક એકાઉન્ટ ખરીદતો હતો અને તેમાં જમા થતી રકમને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેતો હતો
વડોદરા શહેરમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવીને વધારે નફો આપવાની લાલચ આપીને વેપારી પાસેથી 4 ભેજાબાજોએ રૂપિયા 21.71 લાખ પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અગાઉ 2 શખસ ઝડપાયા હતા, જ્યારે વધુ એક શખસની સુરતથી સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
વડોદરાના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા એક વ્હોટ્સએપ નંબર પરથી કોન્ટેક્ટ કરીને ફોરેક્સ સ્કીમ વિશે માહિતી આપવામાં આવી હતી. જે બાદ એક વેબસાઇટની લિંક મોકલી હતી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ તેનો એક્સેસ કોડ મેળવીને વેબસાઇટ પર પ્રોફિટ દેખાડીને મને વિશ્વાસમાં લીધો હતો અને 6.71 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, તેઓએ 21 લાખનું રોકાણ કરશો તો સારો નફો મળશે તેમ કહ્યું હતું. જેથી મેં 15 લાખ રૂપિયા મારા મિત્ર પાસેથી લીધા હતા અને 15 લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે સુરેશકુમાર મોર્ય નામથી મેળવ્યા હતા. આમ, કુલ 21.71 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવીને પરત આપ્યા નહોતા.
આ અંગે સાયબર ક્રાઇમે અગાઉ બે શખસની ધરપકડ કરી હતી અને અન્ય એક શખસને સુરતથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીનું નામ હુનૈન ફીરોઝ ખાંડા (મેમણ), (ઉં.વ. 21, અભ્યાસ ધોરણ 10 પાસ, ધંધો- વેપાર, હાલ રહેવાસી, અડાજણ પાટીયા સામે, અડાજણ, સુરત)ની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી કમિશન આપીને બેંક એકાઉન્ટ ખરીદતો હતો. જેમાં જમા થતી રકમને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કે સીધી જ રોકડ રકમ ઉપાડી લેતો હતો.
ભોગ બનનાર અજાણી વ્યક્તિને ફોરેક્સ એક્સપર્ટ તરીકે ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ ભોગ બનનારને જણાવવામાં આવે છે કે, તેઓ વતી એક્સપર્ટ ફોરેક્સમાં ટ્રેડિંગ કરશે અને જે ફાયદો થાય તેના અમુક ટકાવારી કમિશન પેટે આરોપીને આપવી પડશે. ત્યારબાદ ભોગ બનનારને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં થતી લેણદેણ અને પ્રોફિટ દેખાડવામાં આવે છે. આથી ભોગ બનનાર વિશ્વાસમાં આવી જાય. શરૂઆતના તબક્કે નાની રકમ ઉપર સારો એવો નફો મળ્યો છે, તેવું દેખાડવામાં આવે છે. ત્યારબાદ ભોગ બનનારને નફા પેટે મોટી રકમ કમાવાની લાલચ આપીને ભોગ બનનાર પાસેથી તેઓ વતી ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાના હેઠળ રૂપિયા પડાવી લેવામાં આવે છે. જે બાદ ભોગ બનનાર આરોપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આરોપી દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી. જ્યાં સુધી ભોગ બનનારને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે, તેવો ખ્યાલ આવે ત્યાં સુધીમાં આરોપીઓ દ્વારા મોટી રકમ ખંખેરી લેવામાં આવી હોય છે.