- સુરતથી ઝડપાયેલા આરોપી કેવલ ખેનીએ 2 કરોડથી વધુની ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવી હતી; લોકોના બેંક ખાતાઓ ખોલાવી સહ આરોપીઓને સપ્લાય કરતો
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના આરોપીની વડોદરા સાયબર ક્રાઇમની ટીમે સુરતથી ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપી લોકોના બેંક ખાતાઓ ખોલાવી સહ આરોપીઓને સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેઓને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમાં શેરમાર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને https//okol.livesecurities.in/ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં રીઅલ ટાઇમ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો, જેમાં ફરિયાદીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે નફાની રકમ ટુકડે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી. તેમજ ફરિયાદીએ બાકીની રકમ વિડ્રો કરવા જતા તે વિડ્રો થઈ નહીં. તે રકમ વિડ્રો કરવા માટે તેઓને વધારે નાણા ભરવા જણાવ્યું હતું. આમ અલગ-અલગ કંપનીના શેર ખરીદવાના બહાને કુલ 87,500 રૂપિયા પ્રોફિટરૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા અને વિશ્વાસમાં લઇને તેઓ પાસેથી કુલ રકમ રૂ. 49,90,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદીએ સામેવાળાને રૂપિયા વિડ્રો કરીને પરત કરવા જણાવ્યું હતું, પણ આરોપીએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી ફરિયાદીને પોતાની સાથે રૂપિયા 48,02,500ની નાણાકીય છેતરપિંડી થઈ છે, તેવું જણાતા આ બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપી હતી.
વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપી કેવલ ભૂપતભાઈ ખેની (ઉં.32) ધંધો-ટેક્સ ટાઇલ ટ્રેડિંગ, (રહે.સુરત)ની સુરત ખાતેથી ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આરોપીએ સાહેદોના બેંક ખાતાઓમાં 2 કરોડથી વધુની ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવી હતી અને રોકડ મેળવી સહ આરોપીઓને સોંપી દેતો હતો. જેના માટે તે આર્થિક લાભ મેળવતો હતો. તેમજ લોકોના બેંક ખાતાઓ ખોલાવી સહ આરોપીઓને સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો.