- 2.35 લાખનો દારૂ અને કાર સહિત 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી વિદેશી શરાબનો મોટો જથ્થો તેમજ ડિલિવરી માટેની કાર કબજે કર્યા હતા.
વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે વુડાના મકાનમાં રહેતો ભાવેશ ચંદ્રકાંત રાજપુત મકાનમાં દારૂનો મોટો જથ્થો સંતાડી કારમાં હેરાફેરી કરતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ઉપરોક્ત સ્થળેથી નરેન્દ્ર ઉર્ફે ભલીયો રમેશભાઈ પરમાર (કિશનવાડી, વુડાના મકાનમાં) ને ઝડપી પાડી એનો મોબાઈલ તેમજ રોકડાનું 3000 કબજે લીધા હતા. પોલીસે ભાવેશના મકાનમાં દરોડો પાડતા અંદરથી 2.35 લાખની કિંમતની વિદેશી શરાબની 1553 નંગ બોટલ મળી આવી હતી. જ્યારે ડિલિવરી માટે રાખેલી રૂપિયા 5 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સહિત રૂપિયા 7.41 લાખનો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ ભાવેશ રાજપૂતની શોધખોળ હાથ ધરી છે.