- પોલીસે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો, હરણી પોલીસ મથકમાં ફરિયાદ
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં થર્ટી ફસ્ટને લઇ વિદેશી દારૂની હેરાફેરીને લઇને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેર પીસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને ઝડપી 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.
આગામી 31st અને નવા વર્ષના પ્રારંભને પગલે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે લીસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે. ત્યારે શહેર પીસીબી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, એક ટ્રક ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઇ રહેલ છે અને થોડીવારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે. જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
બાતમીના આધારે PCBની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઉભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સ (જુના ગાભા ભરેલ થેલા)ની આડમાં રાખેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે અફઝલ ઝાકીરહુશેન મેવ (રહે, ઢાકલપુર ગામ, ભાજબા વાલી ગલી, તા.હાથીન, જી.પલવલ, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે અજરૂદ્દીન નિયામતઅલી મેવ (રહે, ઢાકલપુર ગામ, રસોલીયા મહોલ્લો મસ્જીદ પાસે, તા.હાથીન, જી.પલવલ, હરિયાણા)ને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં ટ્રકમાંથી વિદેશી દારૂની 434 બોટલ જેની કિંમત રૂપિયા 20,83,200 સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત રૂપિયા 31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે. જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ કમિશનર દ્વારા આવા ઈસમો સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે પીસીબી પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસમાં ઇંગ્લીશ દારૂ ભરેલ કુલ પેટી નંગ 2231 (બોટલ નંગ 87,816) કિંમત રૂપિયા 1,07,08,800 સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1,37,55,760નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.