- દબાણ શાખાની ટીમ આવતા જ કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા
દેવાધી દેવ મહાદેવની આરાધના કરવાનાં મહાપર્વ મહાશિવરાત્રિના દિવસે નીકળનારી ભવ્યાથી ભવ્ય સવારીને પગલે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શિવજીની સવારીના રૂટ ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા રસ્તામાં અડચણરૂપ એવા લારી-ગલ્લા અને પથારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા બે ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો.
તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પાવન દિવસે વડોદરા કોર્પોરેશન દ્વારા સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સહકાર સાથે શિવજી કી સવારી કાઢવામાં આવનાર છે. ત્યારે પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મહાદેવ ખાતેથી નીકળનાર ભવ્ય સવારીના રૂટ ઉપર લારી પથારાના દબાણો અડચણરૂપ ન બને તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારથી શિવજી કી સવારીના રૂટ ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઋણ મુક્તેશ્વર મહાદેવ ખાતેથી નમતી બપોરે શિવજીની સવારી નીકળતી હોય છે. ત્યારે તૈયારીના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારથી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઇને ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી રોડ અને આરાધના સિનેમા રોડ ઉપરના લારી-પથારા તેમજ લટકણીયાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા બે ટ્રક ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે સવારથી શરૂ કરાયેલી દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન કોઇ અપ્રિય ઘટના બની ન હતી. જોકે કેટલાક દબાણકારોએ દબાણ શાખાની ટીમ આવતાની સાથે જ પોતાના લારી- પથારાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધા હતા.