MSUમાં નોકરી અપાવવાના બહાને 15 ઉમેદવારો પાસેથી 3 ભેજાબાજોએ રૂા. 1.67 કરોડ પડાવ્યા

અમદાવાદની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ કૌભાંડ બહાર આવ્યું

MailVadodara.com - On-the-pretext-of-getting-jobs-in-MSU-3-con-men-extorted-Rs-1-67-crores

- કૌભાંડ ખૂબ મોટું હોવાથી તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપાઇ : એસીપી

- ગાંધીનગરના 2, અમદાવાદના 6, મહેસાણાના 5, મહિસાગરના 1 અને વલસાડના 1 મળીને કુલ 15 લોકો સાથે આ જ પ્રકારની છેતરપિંડી કરી


વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક્ઝામ સુપરવાઇઝર સહિતની જુદી-જુદી પોસ્ટ માટે નોકરી અપાવવાના બહાને 3 ભેજાબાજોએ 15 ઉમેદવારો પાસેથી 1.67 કરોડ રૂપિયાની ઠગાઇ કરી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અમદાવાદની મહિલા કિંજલ પટેલે નોંધાવેલી ફરિયાદ બાદ નોકરી અપાવવાના બહાને ચાલી રહેલા રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા આસ્થા-2 બંગ્લોઝમાં રહેતા કિંજલબેન આશિષકુમાર પટેલ (ઉ.35) એ વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં મહેસાણા ખાતે આવેલી ખાડીયા કોલેજમાં એમ.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. હું અમારી સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ મારફતે વડોદરામાં રહેતા મનીષ કટારા (રહે. સીવન એન્કલેવ, માંજલપુર, વડોદરા) સંપર્કમાં આવી હતી અને તેમના ઓળખિયા શૈલેષ સોલંકી (રહે.101, અમરદીપ હેરીટેજ, ન્યુ કારેલીબાગ, વડોદરા) અને રાહુલ પટેલ (રહે.237, મોટી ખડકી, કલાલી, વડોદરા)ના સંપર્કમાં પણ આવી હતી અને આ લોકોએ એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી ધોરણે નોકરી અપાવતા હોવાની વાત કરી હતી અને તેઓએ 11 લાખ રૂપિયા ભરીને નોકરી આપવાનું મને કહ્યું હતું.

હું, મારા પતિ અને જીવણભાઇ 16 ફેબ્રુઆરી-2022ના રોજ વડોદરાના આજવા રોડ ખાતે આવેલી હોસ્પિટલમાં આવ્યા હતા. આ સમયે શૈલેષ, મનિષ અને રાહુલ કાર લઇને ત્યાં આવ્યા હતા અને રાહુલ પટેલે હોસ્પિટલમાં મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને મારી ડિગ્રીની નકલો માંગી હતી અને ત્રણેયે મારા પતિને જણાવ્યું હતું કે, મેડિકલ ચકાસણી પુરી થઇ ગઈ છે. જેથી તમારે ડિપોઝિટ પેટે 11 લાખ રૂપિયા આપો. જેથી જીવણભાઇની હાજરીમાં મારા પતિએ 11 લાખ રૂપિયા આપ્યા હતા અને ત્રણેયે મારા પતિને કહ્યું હતું કે, એકાદ અઠવાડિયામાં તમને એમ.એસ.યુનિવર્સિટીમાં નોકરીનો ઓર્ડર મળી જશે અને 15 દિવસ પછી એમ.એસ.યુનિર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં સુપરવાઇઝરની પોસ્ટ માટે 51,550 રૂપિયાનો પગાર આપવાનો જોઇનિંગ લેટર મોકલી આપ્યો હતો.


આરોપીઓ શૈલેષ અને રાહુલ

લેટર મળ્યા પછી પણ નોકરી ન મળતા મારા પતિએ ત્રણેય આરોપીઓને કહ્યું હતું કે, નોકરી ન આપો તો રૂપિયા પાછા આપી દો, જેથી આરોપીઓએ કહ્યું હતું કે, નોકરી માટે સ્પીપાની પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ શૈલેષ સોલંકીએ પરીક્ષા અપાવવા માટે મને વડોદરાની હોટલમાં પણ બોલાવી હતી. જ્યાં મારી જેમ નોકરી મેળવવા માટે જાગૃતિ ચૌધરી, સુનિતાબેન અને રૂચિતાબેન ચૌધરીને પણ બોલાવી હતી. સ્પીપાનું ઓનલાઇન રિઝલ્ટ આવ્યા બાદ હાજર થવા બોલાવીશું શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું અને વડોદરા રહેવા આવો તો મકાન ભાડુ અપાવવાની પણ વાત કરી હતી. અમારી પાસેથી 11 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ નોકરી ન આપતા મેં આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા પોલીસના એ ડિવિઝનના એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદની રહેવાસી કિંજલબેન અમૃતભાઇ પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ પહેલા અમદાવાદ શહેરમાં એક અરજી આપી હતી કે, મેં શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનિષ કટારાને એક્ઝામ સુપરવાઇઝરની પોસ્ટ માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા અને અરજીની પ્રાથમિક તપાસમાં અમદાવાદ શહેરમાં થયેલી અને સમગ્ર ઘટના વડોદરાની હોવાથી અરજી વડોદરામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ અરજીની તપાસ સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી અને તપાસના અંતે ફરિયાદી કિંજલબેન પટેલની હકિકત સાચી જણાતા ગુનો દાખલ થયો છે. 

આરોપીઓએ એક્ઝામ સુપરવાઇઝરની પોસ્ટ માટે કિંજલબેન પટેલને વડોદરા બોલાવ્યા હતા અને તેમની 11.50 લાખ રૂપિયા લીધા હતા અને આ માટે તેમણે સૌપ્રથમ તારીખ સાથેનો જોઇનિંગ લેટર આપ્યો હતો અને ત્યારબાદ તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. પરીક્ષા પણ અહીંયા લેવામાં આવી અને ફાઇનલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.

કિંજલબેને જે હકિકતો રજૂ કરી તે તમામ હકિકતો સાચી જણાતા અમે તપાસ શરૂ કરી હતી કે, આમાં વધુ લોકો ફસાયા છે કે નહીં. જેમાં બીજા કેટલાક લોકો પણ ફસાયા હોવાની વિગતો પણ અમને મળી હતી. જેમાં ગાંધીનગરના 2, અમદાવાદના 6, મહેસાણાના 5, મહિસાગરના 1 અને વલસાડના 1 મળીને કુલ 15 લોકો સાથે આ જ પ્રકારની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી હતી. જેમાં એક્ઝામ સુપરવાઇઝર, એક્ઝામ ક્લાર્ક અને પટાવાળાની પોસ્ટ માટે જુદી-જુદી રકમો 10 લાખ, 12 લાખ, 16 લાખ અને 18 લાખ ઉમેદવારો પાસેથી મેળવીને આરોપીઓએ 1 કરોડ, 67 લાખ, 50 હજારની માતબર રકમ મેળવીને છેતરપિંડી આચરી છે.


છેલ્લા એકાદ વર્ષમાં આ 15 લોકોને જુદા-જુદા સમયે વડોદરા બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 2019માં ન્યુઝ પેપરની અંદર ભરતી થશે તેવી જાહેરાત આપી હતી અને જેના આધારે જુદી-જુદી પોસ્ટ માટે લોકોને છેતર્યા હતા. એમ.એસ.યુનિવર્સિટીની આસપાસ રોડ પર ખોટી રીતે પરીક્ષા લીધેલી છે. આ એક ખૂબ જ મોટું ષડયંત્ર છે. આ ખૂબ મોટું કૌભાંડ હોવાથી તેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

આમાં મુખ્ય આરોપીઓ સિવાય પણ આરોપીઓ હોવાનું અનુમાન છે અને હજુ વધારે લોકોને છેતર્યા હોવાની પણ શંકા છે. જેમ તપાસ આગળ વધશે તેમ તેમ આરોપીઓ પણ વધવાની શક્યતા છે.

Share :

Leave a Comments