- બેન્ક સે બોલ રહા હું, આધારકાર્ડ કેવાયસી અધૂરા હે તો કરના પડેગા કહી ઠગાઇ
વડોદરા શહેરમાં KYC કરવાના બહાને વૃદ્ધના ભેજાબાજે બેન્ક ખાતામાંથી રૂ.74 હજારના ઉપાડી લીધા હતા. વૃદ્ધે આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મૂળ બિહારના અને હાલમાં માંજલપુર વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા 58 વર્ષીય રાજકુમાર લખનલાલ તિવારી 22 ફેબ્રુઆરીના રોજ બાઇક લઇને તેમના દીકરાના ઘરે ગયા હતા. ત્યારે તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે,'ઇન્ડસલેન્ડ બેન્ક સે રાહુલ બોલ રહા હું, આપકા આધારકાર્ડ કેવાયસી અધૂરા હે તો કરના પડેગા'.
વૃદ્ધ રાજકુમાર તિવારીએ બેન્કમાં જઇને તપાસ કરવાનું કહ્યું હતું તો સામેથી કહ્યું હતું કે, તમારે બેન્કમાં જવાની કોઇ જરૂર નથી. ઘર સે હો જાયેગા તેમ કહીને સામાવાળાએ જે પ્રોસેસ કરવાનું કહ્યું હતું તે તેમની દીકરીએ કરી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ બપોરના તેમના બેન્ક ખાતમાંથી રૂ. 74 હજાર ઉપડી ગયા હતા. જેથી વૃદ્ધે તેમની સાથે સાઇબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.