- તહેવારોમાં લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કેટલીક દુકાનોમાં સુગર ફ્રી મિઠાઇની વિવિધ નવી વેરાયટીઓ પણ જાેવા મળી
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના બંધનનો પવિત્ર તહેવાર. રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના બજારોમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારને લઈ બહેનો પોતાના વહાલસોયા ભાઈને રાખડી બાંધવા માટે રાખડીની ખરીદી માટે પહોંચ્યા છે તો, રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવવાની હોય છે, જેને લઈને પણ શહેરના વિવિધ મીઠાઈ સ્ટોલ પર ભારે કતારો જોવા મળી રહી છે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે આમ તો શ્રાવણ માસ ધાર્મિક તહેવારોનો મહિનો છે પરંતુ રક્ષાબંધનનું અનેરું મહત્વ છે કારણ કે આ તહેવાર બહેન-ભાઇના પવિત્ર પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે. રક્ષાબંધન આ વખતે તા.30 ઓગસ્ટના રોજ રાત્રે 9:05 કલાકથી શરૂ થશે અને બીજા દિવસ સુધી ચાલશે. પૌરાણિક કાળથી રક્ષાબંધનનો પર્વ ચાલી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારને હવે એક દિવસ આડે છે ત્યારે લોકો ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. બહેનો ભાઈ માટે રાખડીની ખરીદી કરવા અને ભાઈઓ બહેન માટે ગિફ્ટની ખરીદી કરવા માટે ઊમટી પડ્યા છે. શહેરના માંડવી, નવાબજાર, ચાર દરવાજા પાસે આવેલ મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતે ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર અવનવી રાખડીઓના સ્ટોલ, દુકાનો, લારીઓ પર બહેનો ખરીદતાં જોવા મળી રહ્યા છે. શહેરના સુલ્તાનપુરા ખાતે આવેલ નિર્મલ રક્ષાબંધન તથા ગણેશ સ્ટોર સહિત વિવિધ પ્રકારની રાખડીઓ જેમાં ભગવાનની રાખડીઓ, ભાભી રાખડી, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર રાખડીઓ તેમજ ફેન્સી રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની તુલનામાં રાખડીઓમાં 15% જેટલો ભાવ વધારો જાેવા મો છે, જે રો મટિરિયલ, લેબર, ટ્રાન્સપોર્ટેશનને કારણે હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું પરંતુ તહેવારના ઉત્સાહને ધ્યાનમાં રાખીને બહેનોએ હવે ખરીદી શરૂ કરી છે.
બીજી તરફ શહેરની જાણીતી મીઠાઈની દુકાનો પર મીઠાઈ ખરીદવા માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ઘણી મિઠાઇની દુકાનો બહાર મંડપ બાંધી મિઠાઇઓના સ્ટોલ લગાવી મિઠાઇઓનું વેચાણ શરૂ થઇ ગયું છે ત્યારે આ તહેવારોમાં લોકોનું આરોગ્ય, સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કેટલીક મોટી મિઠાઇની દુકાનોમાં સુગર ફ્રી મિઠાઇની વિવિધ નવી વેરાયટીઓ પણ આવી છે. ત્યારે શહેરના દાંડિયાબજાર ગણપતિ મંદિર નજીક આવેલ બુમિયા સ્વિટ્સ ખાતે ડ્રાઇફ્રૂટ્સ તેમજ સુગર ફ્રી મિઠાઇઓની અવનવી મિઠાઇઓ જોવા મળી રહી છે.
રક્ષાબંધનના પહેલા ખરીદારો મીઠાઈની ખરીદી કરવા માટે નીકળેલા છે. વડોદરા શહેરના જુના અને જાણીતા દુલિરામ પેંડાવાળાને ત્યાં આજે ખરીદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અહીંયાની મીઠાઈ ખાવા લોકો બહારથી આવતા હોય છે. તેમાં ખાસ કરીને તહેવારોના સમયે અહીંથી મીઠાઈ ખરીદ્યા વગર રહી શકતા નથી. આ મીઠાઈ ખરીદવા માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા માટે તૈયાર હોય છે. સાથે સાથે શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ મીઠાઈની દુકાનોમાં પણ લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ખરીદારો જાત-જાતની મીઠાઈઓ ખરીદતા જોવા મળ્યા છે. લોકોમાં ઘણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
આ અંગે દુકાનદારે જણાવ્યું હતું કે, તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યને તેમજ સૌને પરવડે તે બાબત ધ્યાનમાં રાખીને સુગર ફ્રી તથા માવા સહિતની સારી ગુણવત્તા સભર મિઠાઇઓ તૈયાર કરવામાં આવી છે અને તે જ રીતે આગામી ગણેશોત્સવમાં પણ અહીં વિવિધ પ્રકારના મોદક, મોતીચુર લાડુ, સહિતની મિઠાઇઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ અંગે મીઠાઈ ખરીદવા આવેલ મહિલાએ જણાવ્યું હતું કે, અહીંના પેંડા ખૂબ જ સારા હોય છે. દુલિરામ પેંડાવાળાને ત્યાં રક્ષાબંધન નિમિતે ખરીદી કરવા માટે અહીં આવ્યા છે. અહીં વર્ષીથી આવીએ છીએ. અને મીઠાઈ ખરીદી પોતાના ભાઈને રાખડી બાંધીને ખવડાવીશું.