નવાયાર્ડ રસુલજીની ચાલીમાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિક રહીશોએ વોર્ડ ઓફિસે માટલા ફોડ્યાં

ચાલીમાં રહેતા લોકોએ કોર્પોરેશન હાય..હાય..ના સુત્રોચ્ચાર કર્યા

MailVadodara.com - On-the-issue-of-contaminated-water-in-Navyard-Rasulji-chawl-local-residents-broke-the-floor-of-the-ward-office

- વહેલીતકે ઉકેલ લાવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં વોર્ડ ઓફિસની બહાર આમરણાંત ઉપવાસની સ્થાનિક લોકોની ચિમકી 


શહેરના નવાયાર્ડ રસુલજીની ચાલીમાં દુષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં સ્થાનિક મહિલાઓ અને પુરૂષો વોર્ડ ઓફિસે માટલા લઇને ધસી આવ્યા હતા. અને વોર્ડ ઓફિસના કમ્પાઉન્ડમાં માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો. ચાલીના લોકોએ કોર્પોરેશન હાય..હાય..ના સુત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નનો વહેલીતકે ઉકેલ લાવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં વોર્ડ ઓફિસની બહાર આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારી હતી.

શહેરના વોર્ડ નંબર-1માં સમાવિષ્ઠ નવાયાર્ડ રસુલજીની ચાલીમાં છેલ્લા કેટલાંક સમયથી દુષિત પાણી આવી રહ્યું છે. ચાલીના લોકોને દુષિત પાણી પીવાનો વખત આવ્યો છે. લોકો દુષિત પાણી પીને ત્રાહિમામ પોકારી ગયા છે. દુષિત પાણીના કારણે ચાલીમાં બાળકો સહિત મોટા લોકો ઋતુજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ચાલીમાં પુરતા પ્રેશરથી અને પુરતા પ્રમાણમાં પાણી પણ આવતું નથી. અને જે પાણી આવે છે તે દુષિત આવે છે.


સામાજિક કાર્યકર નાઝીમ પઠાણે જણાવ્યું હતું કે, હાલમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે. રસુલજીની ચાલીમાં છેલ્લા કેટલાંક સમયથી ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યું છે. અને જે પાણી આવે છે તે પણ દુષિત આવી રહ્યું છે. ચાલીના લોકો સમયસર વેરો ભરવા છતાં, શુધ્ધ પાણી મળી રહ્યું નથી. દુષિત પાણી પીવાના કારણે બાળકો અને મોટા લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે.


તેમણે રસુલજીની ચાલીમાં આવી રહેલા દુષિત પાણી અંગે સ્થાનિક તમામ ચાર કાઉન્સિલરોને અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, કાઉન્સિલરો દ્વારા માત્ર આશ્વાસનો મળી રહ્યા છે. પરંતુ, દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. અનેક વખત વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી છે. છતાં, દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. ન છૂટકે આજે સ્થાનિક લોકોને લઇ વોર્ડ ઓફિસમાં માટલા ફોડવાનો કાર્યક્રમ રાખવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં અમારો પ્રશ્ન હલ નહિં થાય તો આમરણાંત ઉપવાસ ઉપર બેસીશું.


દુષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં સામાજિક કાર્યકર નાઝીમ પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં ચાલીની મહિલાઓ દુષિત પાણી ભરેલી બોટલો તેમજ માટલાઓ સાથે વોર્ડ ઓફિસ ખાતે પહોંચી હતી. જ્યાં મહિલાઓએ કોર્પોરેશન હાય..હાય..ના સુત્રોચ્ચાર કરી માટલા ફોડ્યા હતા. પાલિકાના વહીવટદારો સામે રોષ ઠાલવ્યો હતો. તે સાથે સામાજિક કાર્યકર સહિત ચાલીના લોકોએ વોર્ડ ઓફિસરને દુષિત પાણીનો પ્રશ્ન વહેલીતકે હલ કરવા માટે લેખિત-મૌખિક રજૂઆત કરી હતી.

Share :

Leave a Comments