- સુરસાગર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારોહમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પણ જોડાયા
રાજ્યભરમાં આજે વહેલી સવારે રાજ્ય યેાગ બોર્ડ દ્વારા યોજાયેલા રાજ્ય કક્ષાના સમુહ સૂર્ય નમસ્કાર સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા, ત્યારે વડોદરામાં તળાવ કિનારે, બગીચા સહિત રમત-ગમત સંકુલમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. સુરસાગર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારોહમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પણ જોડાયા હતા.
શહેરમાં મધ્યમાં આવેલા સુરસાગરના કિનારે, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એમ.એસ. યુનિવર્સિટી અને કમાટીબાગ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વર્ષ 2024ના ધરતી ઉપર પડેલા પ્રથમ સૂર્યના કિરણો સામે સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતાં.
આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્યનમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા, તેની સાથોસાથ વડોદરાના નગરજનો પણ જોડાયા હતા. વડોદરામાં 4 સ્થળોએ યોજાયેલા સામૂહિક સૂર્ય નમસ્કારમાં શહેરીજનો અને યોગ શિક્ષકો સહભાગી થયા હતા. આજે સવારે યોજાયેલા સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મળે તે માટે એક સાથે 108 સ્થળોએ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરામાં પણ કલેકટર, ધારાસભ્યો સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગ તરફ વાળ્યા છે. યેાગથી સ્વાસ્થ્ય સારું રહે છે. રાજ્ય સરકાર દ્વારા આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરામાં 4 સ્થળે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.