પાદરા-કરજણ રોડ પર બાઇક લઇને નોકરી પર જતાં યુવકને ટેમ્પોએ અડફેટે લેતા સ્થળ પર મોત

અકસ્માતની ઘટના CCTVમાં કેદ, પાદરા પોલીસે ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી

MailVadodara.com - On-the-Padra-Karajan-road-a-young-man-was-hit-by-a-tempo-while-going-to-work-with-a-bike-and-died-on-the-spot

- મૂળ ભરૂચના આમોદ તાલુકાના માતર ગામનો અર્જુન પરમાર 19 ઓક્ટોબરે પાદરામાં રહેતી બહેનને મળવા ગયા બાદ બહેનના ઘરે જ રાત રોકયો હતો

- 32 વર્ષીય અર્જુન પરમાર કરજણ IPCLમાં નોકરી કરતો હતો


વડોદરાના પાદરા-કરજણ રોડ પર બાઈક ચાલક યુવાનને ટેમ્પોએ પાછળથી અડફેટમાં લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. કરજણ IPCLમાં નોકરી કરતો યુવાન પાદરા રહેતી બહેનના ઘરે રાત્રે રોકાયો હતો. સવારે નોકરી જવા નીકળ્યો હતો ત્યારે કાળનો કોળિયો બન્યો હતો. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. પાદરા પોલીસે બનેવીની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ સ્થિત પરમાર ફળિયામાં રહેતો 32 વર્ષિય અર્જુન પરસોત્તમભાઇ પરમાર કરજણ IPCLમાં નોકરી કરતો હતો. તા.19 ઓક્ટોબરે સાંજે અર્જુન પરમાર પાદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતી બહેન રેખાને મળવા માટે આવ્યો હતો. બહેનના ઘરે રાત્રે રોકાઇ ગયો હતો. મોડી રાત સુધી બહેન-બનેવી સાથે વાતો કરીને અને ભાણેજો સાથે મસ્તી કરીને તમામ લોકો સૂઇ ગયા હતા. જોકે, અર્જુન માટે બહેનના ઘરે આખરી રાત પુરવાર થઇ હતી.


આજે સવારે નોકરી ઉપર જવાનું હોવાથી અર્જુન પરમાર બાઇક લઇને કરજણ નોકરી જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન પાદરા-કરજણ રોડ ઉપર હુસેપુર પાસે પાછળથી પુરપાટ પસાર થઇ રહેલા ટેમ્પોએ અર્જુનની બાઇક ઉપર ટેમ્પો ચઢાવી દીધો હતો. અર્જુન ટેમ્પોના આગળના વ્હિલમાં આવી જતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક અકસ્માત સર્જાતા જ ટેમ્પો લઇ ફરાર થઇ ગયો હતો.

આ બનાવ અંગેની જાણ પાદરામાં રહેતા બનેવી દિલીપભાઇ અંટોરભાઇ પરમારને થતાં તુરત તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. લાશનો કબજો લઇ પાદરા સરકારી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.


બીજી બાજુ અર્જુનના મોતના સમાચાર બહેનને થતાં તે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જ્યાં તેના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બહેન મોડી રાત સુધી કરેલી વાતોને યાદ કરીને ભાઇના મોત પાછળ કરેલા આક્રંદે કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી નાંખ્યા હતા. તે સાથે અર્જુનના મોતના સમાચાર માતર ગામમાં પરિવારજનોને તેમજ તેની કંપનીમાં સાથી મિત્રોને થતાં તેઓ પણ પાદરા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

બનાવ અંગે બનેવી દિલીપભાઇ અંટોરભાઇ પરમારે પાદરા પોલીસ મથકમાં ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે ટેમ્પો ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments