વાઘોડિયા રોડ પર પાલિકાએ ગેરકાયદે કાચા-પાકા મકાનો-દુકાનો દૂર કરી 18 મીટરનો રોડ ખુલ્લો કર્યો

પાલિકા દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી

MailVadodara.com - On-Waghodia-Road-the-municipality-removed-the-illegal-unpaved-houses-and-shops-and-opened-an-18-meter-road

- પાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસરના દબાણો દૂર કરાયાં, લોકોના ટોળા એકઠા થઇ ગયાં


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે વાઘોડિયા રોડ ઉપર 18 મીટરના રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ટી.પી. 43માં 18 મીટરના રોડ ઉપર કાચા-પાકા દબાણો થઇ ગયા હતા. જેની સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન આજે પાલિકાની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસરના દબાણો દૂર કરી 18 મીટરનો રોડ ખૂલ્લો કરવામાં આવ્યો હતો.

શહેરના વાઘોડિયા રોડ ડ્રાફ્ટ ટી.પી. 43માં 18 મીટર રોડ ઉપર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ દબાણ શાખાની ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ પહોંચતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે, પાલિકા દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હોવાથી મોટા ભાગના દબાણકારોએ સ્વૈચ્છીક પોતાના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.


પાલિકાની દબાણ શાખા દ્વારા 18 મીટર રોડ ઉપર સન મિલન ફ્લેટથી ઇશ્વરનગર થઇ વાત્સલ્ય કોમ્પ્લેક્ષ સુધી બંધાઇ ગયેલા ગેરકાયદેસરના કાચા-પાકા 12 મકાનો, પાકી ઓરડીઓ અને કાચી-પાકી 13 દુકાનો દૂર કરી હતી. કેટલાંક મકાન માલિકો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક રીતે દબાણો દૂર કરવામાં પાલિકાને મદદ કરી હતી. આ કામગીરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના બની ન હતી, પરંતુ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતા. 


વડોદરા મહાનગર સેવા સદનના ટાઉન પ્લાનિંગ વિભાગના સર્વેયર ચંદ્રકાંત વરીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે વાઘોડિયા રોડ ઉપર ડ્રાફ્ટ ટી.પી.43માં 18 મીટરના રોડ ઉપરના દબાણો દરૂ કરી 18 મીટરનો રોડ ખૂલ્લો કરવામાં આવ્યો હતો. આ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરત પણે ચાલશે. જે લોકોએ દબાણો કર્યા હશે તે દબાણો કોઇ પણ જાતની શરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે.

Share :

Leave a Comments