- બપોરે 1 વાગ્યે ગહીનબાઇ બાગમાં શ્રીહરીહરની ભેટ થશે, સાંજે વરઘોડો નીજ મંદિરમાં પરત ફરશે, રાત્રે ૧૦ વાગ્યા બાદ તુલસી વિવાહ યોજાશે
શહેરના માંડવી વિસ્તારમાં એમજી રોડ પર આવેલા પ્રાચિન શ્રી વિઠ્ઠલ મંદિરથી વર્ષોની પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ પ્રબોધિની એકાદશીએ 214માં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળશે. ચાર દરવાજા વિસ્તારમાં દેવ દિવાળી સુધી અલગ અલગ મંદિરોમાંથી ભગવાન વિષ્ણુના વરઘોડા નિકળશે. જેમાં તુલસી વિવાહના આયોજનો પણ થવાના છે. વિઠ્ઠલનાથજીના વરઘોડા તરીકે ઓળખાતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે.
આવતીકાલે તા.૨૩ નવેમ્બર ગુરૂવારે દેવઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે સવારે ૯ કલાકે નીજ મંદિરથી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રાનો પ્રારંભ થશે તે પહેલા પરંપરા અનુસાર વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા પુજા અર્ચના અને આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરીઓમભાઈ વ્યાસે જણાવ્યું કે, તુલસી વિવાહમાં તુલસીજીના ભગવાન વિઠ્ઠલનાથજી સાથે લગ્ન થયા બાદ તુલસીજીને ફરી મંદિરના પ્રાંગણ-બગીચામાં બિરાજમાન કરવામાં આવતા હોય છે. અને ત્યાર બાદ જ તુલસીજીના દળનો ભગવાનની સેવામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવતીકાલે 23 નવેમ્બર પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો 212મો વરઘોડો સવારે 9 કલાકે નિકળશે. આ વરઘોડાનો રાજ પરીવાર દ્વારા આરતી ઉતારવામાં આવશે.
વિશાળ ભક્ત સમુદાય, ભજન મંડળીઓ, બેન્ડ વાજા સાથે વરઘોડો માંડવીથી ન્યાયમંદિર, રાવપુરા, કોઠી, એસએસજી હોસ્પિલની સામેથી કારેલીબાગના રસ્તે કામનાથ સ્મશાનની બાજુમાં આવેલ શ્રીમંત ગહીનબાઇ બાગ-લીલુવાડીમાં મહાદેવ મંદિર ખાતે પહોંચશે અહી શ્રી હરી એટલે કે વિઠ્ઠલનાથજી અને હર એટલે કે મહાદેવની ભેટ થશે. પુજા આરતી બાદ બપોરે ૨ વાગ્યે વરઘોડો પરત બહુચરાજી રોડથી નાગરવાડા, ઘી કાંટા ટાવર, જ્યુબિલી બાગ, લહેરીપુરા, ન્યાય મંદિર અને માંડવી થઇને સાંજે પાંચ વાગ્યાના અરસામાં નીજ મંદિર પરત ફરશે. અહી મંદિરમાં રાત્રે ૧૦ થી ૧૨ દરમિયાન `તુલસી વિવાહ' પણ સંપન્ન થશે. વરઘોડો અને તુલસી વિવાહ દરમિયાન મંદિર ખુલ્લુ રહેશે.
આવતીકાલે 23 નવેમ્બરના રોજ પ્રબોધિની એકાદશીના દિવસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો એમ. જી. રોડ બેંક રોડ થઈને રાવપુરા થઈ કારેલીબાગના કામનાથ સ્મશાનની બાજુમાં આવેલા શ્રી ગહિનાબાઈ મહાદેવ ખાતે પહોંચશે. જ્યારે રાત્રે 8 વાગે એમજી રોડ પર આવેલી રણછોડરાયજીની હવેલી ખાતે રણછોડરાયજી ભગવાનનો વરઘોડો એમજી રોડ પરથી નીકળી ચાંપાનેર દરવાજા પાસે આવેલા લક્ષ્મીજી મંદિર ખાતે પહોચશે. જે પહેલા વરઘોડો નરસિંહજીની પોળ, શામળ બેચરની પોળ સહિત સ્થળો પર ફરે છે.
જ્યારે 24 નવેમ્બરના રોજ દલા પટેલની પોળમાં આવેલા રામજી મંદિરનો વરઘોડો પ્રતાપ મડઘાની પોળમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં પહોચે છે. જ્યાં ભક્તોની હાજરીમાં તુલસી વિવાહનું આયોજન થાય છે. 25 નવેમ્બરના રોજ કાછિયા પોળમાં આવેલા રામજી મંદિરનો વરઘોડો કાછિયા પોળમાં નિકળી પાંચ પોળમાં પધરામણી થશે.