- આ કેવી વહીવટી પ્રક્રિયા ? જનસંપર્ક વિભાગનું ટેન્ડર સ્ટોર વિભાગ કાઢે છે
- ફેબ્રુઆરી ૨૦૨૩ માં પુરા થયેલા કોન્ટ્રાક્ટ માં દોઢ કરોડ નું એક્ષટેંશન બાદ વધુ પચાસ લાખ ચૂકવવાની ભલામણ
- રૂપિયા બે કરોડ ચૂકવ્યા બાદ વધુ કામગીરી પેટે બીજા રૂ. ૧૬.૮૧ લાખ ચુકવાશે
- વર્ષોથી કોન્ટ્રાક્ટ ધરાવતા શોભનમ ડેકોરેટર્સ સિવાય પાલિકાને બીજો કોઈ કોન્ટ્રાકટર મળતો જ નથી..?
વડોદરા મહાનગર પાલિકાના જનસંપર્ક વિભાગ તરફથી આવેલી ફરાસખાનાના કોન્ટ્રાક્ટ લાંબાવવાની દરખાસ્ત અનેક શંકાઓ ઉપજાવે છે. શોભનમ ડેકોરેટર્સ પર ઓળધોળ થઈ ગયેલા અધિકારીઓ કોન્ટ્રાકટરને ઘી- કેળા કરાવવા અતિ આતુર હોય એમ લાગી રહ્યું છે. દોઢ વર્ષ અગાઉ શોભનમ ડેકોરેટર્સની સમય મર્યાદા પુરી થઈ હોવા છતાં તેને કરોડો રૂપિયાનું એક્સટેન્સન પર એક્સટેન્શન આપી શાશકો અને અધિકારીઓ મહેરબાન થવા બેબાકળા થઈ રહ્યા છે.
વડોદરા મહાનગર પાલિકાના શાશકો અને અધિકારીઓ ભેગા થઈ પ્રજાના નાણાં ભ્રષ્ટાચારને ભેટ ચઢાવે છે એ છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ જનસંપર્ક વિભાગ તરફથી એક દરખાસ્ત આવી છે જેમાં વર્ષોથી ફરાશખાનાના કોન્ટ્રાકટ પર કબ્જો જમાવી ચૂકેલા શોભનમ ડેકોરેટર્સનો કોન્ટ્રાકટ લાંબાવવાની માંગણી કરવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ શોભનમ ડેકોરેટર્સ નો કોન્ટ્રાકટ ગત વર્ષે ફેબ્રુઆરી માસની દશ તારીખે પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ શોભનમ ડેકોરેટર્સ નો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે એક વર્ષ માટે દોઢ કરોડની મર્યાદા સાથે વધારવામાં આવ્યો જેની મુદત આ વર્ષે ફેબ્રુઆરી માસમાં એટલે કે છ માસ અગાઉ પૂરો થઈ ગયો હતો. છ માસ અગાઉ ફરી એકવાર શોભનમ ડેકોરેટર્સનો કોન્ટ્રાકટ રૂપિયા ૫૦ લાખની મર્યાદા વધારી લંબાવવામાં આવ્યો છે. આથી વિશેષ આ સમયગાળા દરમ્યાન શોભનમ ડેકોરેટરશે ખર્ચેલા રૂ. ૧૬.૮૧ લાખ ચૂકવવા પડશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે કેમ કહીએ છે કે પાલિકાના અધિકારીઓ અને શાશકો કોન્ટ્રાકટર આગળ ધૂટણીયે કેમ પડે છે..? અહીં મહત્વનું એ છે ફરાસખાના કોન્ટ્રાકટમાં પાલિકાએ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ચુકવેલા રૂ. ૨૦ લાખથી વધુ રૂપિયા અલગ છે. સામાન્ય માણસ ને પણ ખબર પડી જાય એવા અંધેર વહીવટ અંગે અધિકારીઓની દલીલ સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. જનસંપર્ક વિભાગના ઉપરી અધિકારી વિજય સોલંકીનું કહેવું છે કે ફરાસખાનાના કોન્ટ્રાકટની ટેન્ડર પ્રક્રિયા અમે કરતા નથી. આ તમામ કામગીરી પાલિકાનું સેન્ટ્રલ સ્ટોર વિભાગ કરે છે. અમે સેન્ટ્રલ સ્ટોરના અધિકારી હસીતભાઈ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી અમને જાન્યુઆરી ૨૦૨૩ માં સોપાઈ જયારે શોભનમ ડેકોરેટર્સ નો કોન્ટ્રાકટ ફેબ્રુઆરી માસમાં પૂરો થતો હતો. કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા માટે ત્રણ માસનો સમયગાળો અનિવાર્ય છે જયારે અમને કોન્ટ્રાકટ પૂરો થવાના એક માસ પહેલા જાણ કરવામાં આવી. અત્યાર સુધી ફરાસખાનાના કોન્ટ્રાકટની ટેન્ડર પ્રક્રિયાની કામગીરી જનસંપર્ક વિભાગ જ કરતું હતું. આમ પાલિકાની વિચિત્ર અને શંકાસ્પદ દરખાસ્ત અંગે અમે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ફોન પર સંપર્ક કર્યો હતો, જો કે તેમણે ફોન ઉપાડ્યો ન હતો.
અહીં સવાલ એ છે કે કોન્ટ્રાકટ ની કામગીરી નું સુપરવિઝન જયારે જનસંપર્ક વિભાગે કરવાનું છે તો ટેન્ડર પ્રક્રિયા સ્ટોર વિભાગ ને કેમ સોંપવામાં આવી ? જે વિભાગ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયા કરતું હતું એ કામ અન્ય વિભાગને સોંપવા પાછળનો તર્ક શું હોઈ શકે ? ટેન્ડર પ્રક્રિયાથી દૂર કરી જનસંપર્ક વિભાગને કોન્ટ્રાકટરને ઘી-કેળા કરાવવાની છૂટ અપાઈ ગઈ..? તહેવારો અને પ્રસંગો પૂર્વ ઘોષિત હોવા છતાં કોન્ટ્રાકટરને સમય મર્યાદા વધારી આપવી એ શું સૂચવે છે ? પાલિકામાં જનસંપર્ક વિભાગમાં વર્ષોથી શોભનમ ડેકોરેટર્સને કોન્ટ્રાકટ સોંપવો પારદર્શક વહીવટ કેવી રીતે કહેવાય ? વારંવાર વિવાદમાં આવતા શોભનમ ડેકોરેટર્સ પર કોના ચાર હાથ છે ?
પાલિકાના કહેવાતા સ્માર્ટ શાશકો અને કુશળ અધિકારીઓ પારદર્શક વહીવટના ગમે એટલા દાવા કરે, પરંતુ વાસ્તવિકતા શહેરીજનો ખુબ સારી રીતે જાણે છે.