રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેક-ઠેકાણે તંત્ર દ્વારા રોજેરોજ ચેકિંગ અને નોટિસની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જ્યારે લોકો એકત્રિત થતા હોય છે એવા સ્થળોએ ફાયર સેફટી જળવાઈ રહે અને લોકોને આ બાબતે ખ્યાલ રહે તે અર્થે જાહેર સ્થળોએ ફાયર NOC સહિતની વિવિધ પરવાનગીઓ જાહેરમાં જ જોઈ શકાય એવા સ્થળે રાખવા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શહેરમાં મનોરંજનના હેતુથી ધંધાદારી વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા મનોરંજનની પ્રવૃત્તિ સહિતના અન્ય સ્થળો જેવા કે, ધાર્મિક સ્થળો, આરોગ્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આવા અગત્યના અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવા સ્થળોએ લોકોની સલામતી અને સેફટી જળવાઈ એ ખાસ જરૂરી છે. જે માટે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા એક જાહેર સૂચના જારી કરવામાં આવી છે.
આ અનુસંધાને આવી સંસ્થાઓ વ્યાપારી જગ્યાઓએ સલામતી અને સેફ્ટીને લગતા તમામ પરવાના જેવા કે ફાયર NOC, બીયુ પરમિશન અને જરૂરી હોય એવા કિસ્સામાં પોલીસ વિભાગનું મંજૂરી સર્ટિફિકેટ તથા આરોગ્ય પરવાના અને કાયદાકી જોગવાઈઓ અનુસાર મેળવવાના થતા તમામ સર્ટીફીકેટો આવી જગ્યાઓએ સંસ્થાના લોકોએ જાનમાલની પૂરી સલામતીની કાળજી રાખવાના ઇરાદે તમામ લોકો જોઈ શકે એવી રીતે જાહેરમાં રાખવા માટે સૂચિત કરવામાં આવ્યું छे.
આ સાથે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા ધંધાદારી તમામ એકમો સંસ્થાઓ જેવા કે, મોલ, હોસ્પિટલ, શાળાઓ કચેરીઓ સહિત ત્રીજા શિડયુલમાં જણાવ્યા મુજબના તમામ એકમો, ટ્યુશન ક્લાસીસ, ધાર્મિક સ્થળો, ગેમિંગ ઝોન, સર્કસ, હોટલ, રેસ્ટોરન્ટ, શો-રૂમ, સ્કૂલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના સંસ્થાના સંચાલકોએ આવા તમામ પરવાના 3×2 ફૂટની જગ્યામાં પ્રદર્શિત કરવા મ્યુનિસિપલ કમિશનરે જાહેર જનતા જોગ લાગતા વળગતા તમામને જાહેરાત દ્વારા જણાવવામાં આવ્યું છે.