વડોદરા પાલિકાએ છાણી એન્ટ્રીગેટ બ્રિજની નીચે સર્વિસ રોડ પર બનાવેલી દુકાનો કોઇ વેપારી ખરીદવા તૈયાર નથી

છાણી વિસ્તારની શોભા વધારવા પાલિકાએ ટોલ બૂથ તોડી એન્ટ્રી ગેટ બનાવ્યો હતો

MailVadodara.com - No-trader-is-willing-to-buy-the-shops-constructed-by-Vadodara-Municipality-on-the-service-road-under-the-Chhani-Entrigate-Bridge

- સર્વિસ રોડને અડીને બનાવેલી આ દુકાનોમાં પાર્કિંગ સહિતની અન્ય કોઇ સુવિધા ન હોવાના કારણે વેપારીઓ આ દુકાનો ખરીદવા રસ દાખવતા નથી


વડોદરા મહાનગર સેવાસદનની અણઘડ આવડત છાણી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, કોર્પોરેશન દ્વારા એવા અનેક નિર્ણયો લીધા છે જેના કારણે વડોદરાની પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ થયો છે. પાલિકા દ્વારા શહેરના છાણી વિસ્તારમાં એન્ટ્રી ગેટ નીચે દુકાનો બનાવવામાં છે. સર્વિસ રોડ ઉપર બનાવાયેલી આ દુકાનો ખરીદવા વેપારીઓ તૈયાર નથી. જાેકે ચારથી પાંચ વખત હરાજી કરવા છતાં, વેપારીઓ દુકાનો ખરીદવા માટે આગળ ન આવતા આ દુકાનો ધૂળ ખાઇ રહી છે.

વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો શહેરીજનોને ધોળે દિવસે વિકાસના મોટામોટા સપના બતાવવામાં માહેર છે. ત્યારે વડોદરા કોર્પોરેશનનો આંધળા વિકાસની દોડમાં અણઘડ વહીવટનો દાખલો આપતી છાણી એન્ટ્રીગેટ નીચેની દુકાનો ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકા દ્વારા આજથી આશરે ચાર વર્ષ પૂર્વે શહેરના છાણી ગામ ખાતે જૂના ટોલ બુથને દૂર કરી વિસ્તારની શોભા વધારવા માટે મુખ્ય માર્ગ પર એન્ટ્રી ગેટ સાથે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. 


પાલિકા દ્વારા આ એન્ટ્રીગેટ સાથેના બ્રિજની બંને તરફ પાંચ-પાંચ એમ કુલ દસ જેટલી દુકાનો પણ બનાવવામાં આવી છે. ત્યારે સર્વિસ રોડને બિલકુલ અડીને બનાવવામાં આવેલી આ દુકાનોમાં પાર્કિંગ સહિતની અન્ય કોઇ સુવિધા ન હોવાના કારણે વેપારીઓ દ્વારા આ દુકાનો ખરીદવા રસ દાખવતા નથી. જેના કારણે લાખોના ખર્ચે તૈયાર કરાયેલી આ દુકાનો હાલ ધૂળ ખાઈ રહી છે. ત્યારે વેપારીઓ પણ પાલિકાના આ અંધેર વહીવટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે જણાવ્યું કે, છાણી એન્ટ્રી બ્રિજ નીચે કોર્પોરેશન દ્વારા દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનો અંગે મેં અવાર-નવાર સભામાં પણ રજૂઆત કરી છે. જે દુકાનો તૂટી ગઇ છે. તેવા વેપારીઓને દુકાનો ફાળવી 1 મે 2023ના રોજ લોકાર્પણ કરવામાં આવે અને બેરોજગાર બનેલા લોકોને રોજગાર મળે તેવી મારી માંગણી છે.


એક સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા એન્ટ્રી ગેટ બ્રિજ નીચે જે દુકાનો બનાવવામાં આવી છે. તે બિલકુલ સર્વિસ રોડ ઉપર બનાવવામાં આવી છે. કોઇ ગ્રાહક દુકાનમાં આવે તો પાર્કિંગ ક્યાં કરવું તે મોટો પ્રશ્ન છે. જો પાર્કિંગ કરે તો સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડે. શૌચાલયની પણ કોઇ સુવિધા આપવામાં આવી નથી. કોર્પોરેશનના અણઘડ વહીવટનો આ દુકાનો બેનમૂન નમુનો છે. આ દુકાનોમાં પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ થયો છે તે સ્પષ્ટ વાત છે.


બીજી તરફ આ અંગે પાલિકાના સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે સમજી વિચારીને છાણી એન્ટ્રી બ્રિજ નીચે દુકાનો બાંધવામાં આવી છે. હાલ આ દુકાનોની હરાજી કરવાની વિચારણા ચાલી રહી છે. કેટલાક લોકો દ્વારા મીડિયામાં ખોટા નિવેદનો આપી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પાલિકા દ્વારા ટૂંક જ સમયમાં દુકાનોની હરાજી બોલાવી વેપારીઓના ઉપયોગ માટે ખૂલ્લી મુકવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે આક્ષેપો કરે છે ત્યારે તેઓની સરકારના સમયમાં શહેરના પ્રતાપનગર બ્રિજ નીચે, પંડ્યા બ્રિજ નીચે જે દુકાનો બનાવી હતી, તે કયા નિયમોને આધારે બનાવવામાં આવી હતી. અહીં છાણી ખાતે બનાવવામાં આવેલ દુકાનો લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

Share :

Leave a Comments