- હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં આવેલા નાના-મોટા હનુમાનજી મંદિર તથા અન્ય મંદિરમાં પૂજા ભજન કિર્તન, હનુમાન ચાલીસા, રામધૂન,સુંદરકાંડ, ભંડારાનું આયોજન કરાયું છે
વડોદરા શહેરમાં આવતીકાલે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં આવેલા નાના-મોટા હનુમાનજી મંદિર તથા અન્ય મંદિરમાં પૂજા ભજન કિર્તન, હનુમાન ચાલીસા, રામધૂન,સુંદરકાંડ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળવાની છે. જેમાં ખાસ કરી શહેરના ફતેપુરા મેઇન રોડ પરથી શોભાયાત્રા કલાક 5.30 વાગ્યે નીકળી, ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, પદમાવતી ત્રિકોણથી ગાંધીનગરગૃહ, જયુબિલી બાગ સર્કલથી ભક્તિ સર્કલથી રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના ભાવિક ભકતી જોડાતા હોય છે. જેના કારણે મોટી જનમેદની પણ એકઠી થાય છે.
આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેના માટે નો-પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા, એકસેસ પોઇન્ટ સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 12 એપ્રિલના રોજ બપોરના 4 વાગે ફતેપુરા મેઇન રોડ વિસ્તારની શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે.
તા.12/04/2024 બપોરના 4 વાગ્યાથી ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ત્રિકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ગાંધી નગરગૃહ સર્કલ, જયુબિલીબાગ સર્કલ, ભકિત સર્કલ, રોકડનાથ હનુમાન મંદિર સુધી રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.