- વડોદરા શહેર અને જિલ્લાની કુલ 120 સ્કૂલ્સના 1227 વર્ગ ખંડોમાં 36,810 ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિત બની આપી શકે તે માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તે દિવસે પરીક્ષાર્થીઓ 12 વાગ્યે વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટર અતુલ ગોરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લાની કુલ 120 સ્કૂલ્સના 1227 વર્ગ ખંડોમાં 36,810 ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. રાજ્યમાં કુલ 9,53,923 પરીક્ષાર્થીઓ છે. વડોદરા શહેરની 119 અને જિલ્લામાં સેવાસી ખાતેની એક એમ મળી કુલ 120 શાળાઓમાં પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું ચાર પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મહિલાઓ માટે તંત્ર દ્વારા અલગ બોક્સ બનાવવામાં આવ્યું છે, ત્યાં મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવશે.
કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ પરીક્ષા ખંડમાં લઇ જવાશે નહીં. માત્ર સાદી ઘડીયાળ જ વર્ગ ખંડમાં લઇ જઇ શકાશે. કોલલેટર અને સરકાર માન્ય ઓળખપત્રના આધારે કેન્દ્રની અંદર પ્રવેશ મળશે. પરીક્ષાર્થી 12 વાગ્યા સુધીમાં પોતાની બેઠક લઇ લે તે જરૂરી છે. તે બાદ કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહિં.
શાળા દીઠ એક કેન્દ્ર સંચાલક, વર્ગ ખંડ દીઠ એક ઇન્વિઝીલેટર અને સુપરવાઇઝર ઉપરાંત એક બોર્ડ પ્રતિનિધિ ફરજ બજાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 41 રૂટ સુપરવાઇઝર તથા 41 આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મોનિટરિંગ કરવાના છે. ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિક્ષાચાલકોના સંગઠન સાથે બેઠક કરવામાં આવી છે. તેમાં પરીક્ષાના દિવસે વડોદરા આવનારા ઉમેદવારોને નિયત ભાડામાં સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવાની તકેદારી રાખવા રિક્ષાચાલકો સહકાર આપવાના છે. આ ઉપરાંત ટ્રાફિક પોઇન્ટ ઉપર કોઇ ઉમેદવાર અટવાઇ તો તેને મદદ કરવાની ટ્રાફિક કોન્સ્ટેબલોને શહેર પોલીસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
દિવ્યાંગજનો વાંચક અથવા લહિયાની સેવા લેવા ઇચ્છતા હોય તો તેમણે સિવિલ સર્જનના પ્રમાણપત્ર સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરાને અરજી કરી મંજૂરી મેળવવાની રહે છે. વડોદરા પરીક્ષા આપવા આવતા તમામ ઉમેદવારો નિશ્ચિંત અને નિર્ભિક બનીને પરીક્ષા આપે તેવી અપીલ કરતા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ સફળતા માટેની શુભકામનાઓ પણ આપી છે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, ડીસીપી અભય સોની, અધિક કલેક્ટર સર્વ ડો. બી. એસ. પ્રજાપતિ, મિતા જોશી, ગોપાલ બામણિયા, જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. અને પરીક્ષા અંગેની પૂરક માહિતી આપી હતી.