- નવા કોન્ટ્રાક્ટની પ્રક્રિયા કરવામાં ટ્રાફિક શાખા પાલિકા એક સરખા...!
- પાર્કિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફ્ળ તંત્ર એ વાહનો ઉઠાવી દંડ કરવાને વિકલ્પ બનાવ્યો..!!
વડોદરા શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ચાલતી ક્રેન છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી બંધ છે. નો પાર્કિંગમાંથી ટુ વ્હીલર ઉંચકતી ક્રેન નો કોન્ટ્રાકટ પૂરો થયે બે મહિના થઈ ગયા છે.
વડોદરા શહેરમાં વધતા જતાં ટ્રાફિકના ભારણ વચ્ચે પાર્કિંગની સુવિધા નહીં બરાબર છે. જેના કારણે લોકોને પાર્કિંગ મળતું નથી. શહેરમાં વધતા જતાં ટ્રાફિક ના ભારણ ને ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે વાહનો ઉંચકી લેવાને વિકલ્પ બનાવવામાં આવે છે. પોલીસ વિભાગની ટ્રાફિક શાખા નો પાર્કિંગ માં પાર્ક થયેલા ટુ-વ્હિલર ક્રેન દ્વારા ઉઠાવી લઈ દંડનીય કાર્યવાહી કરે છે. જો કે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ક્રેનો બંધ છે. ક્રેન નો નવો કોન્ટ્રાક્ટ હજી સુંધી અપાયો નથી. સામાન્ય સંજોગોમાં કોઈપણ કોન્ટ્રાકટ પૂરો થાય તેના ત્રણ મહિના પહેલા નવા કોન્ટ્રાકટની તૈયારીઓ થઈ જાય છે, જેના કારણે નવો કોન્ટ્રાક્ટ સમયસર શરૂ થઈ જાય.
જો કે નવો કોન્ટ્રાકટ આપવાની બાબતમાં પોલીસ વિભાગ પાલિકાની બરાબરી કરી રહ્યું છે. તહેવારોના સમયમાં ક્રેન ફરતી બંધ થઈ જતાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. ટ્રાફિક શાખાના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે ક્રેન નો નવો કોન્ટ્રાકટ શરૂ થતા હજી સમય લાગશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની રહી છે ત્યારે ટ્રાફિક શાખા ક્રેન સિવાય ના અન્ય કોઈ વિકલ્પ પણ વિચારે એ જરૂરી છે.