દેણા અને દુમાડ ચોકડી પર 52 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર બ્રિજનું નિતીન ગડકરી લોકાર્પણ કરશે

તા. 6 જુનના રોજ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે

MailVadodara.com - Nitin-Gadkari-to-inaugurate-flyover-bridge-built-at-a-cost-of-52-crores-at-Dena-and-Dumad-intersection


શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. તા. 6 જુનના રોજ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની શક્યતાઓને નકારી શકાય નહિં. નોંધનીય છે કે, દેણા અને દુમાડ ચોકડી પાસે એક માસમાં સરેરાશ 15 જેટલા અકસ્માતો થાય છે. જેમાં દેણા ચોકડી મોતની ચોકડી તરીકે જાણીતી છે.


વડોદરા બહારથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-8 અને નેશનલ હાઇવે નંબર-48 એક્સપ્રેસ હાઇવેનો જોડતો માર્ગ છે. આ માર્ગ ઉપર દેણા ચોકડી અને દુમાડ ચોકડી આવેલી છે. આ બંને ચોકડી ઉપર એક માસમાં સરેરાશ 15 જેટલા નાના-મોટા અકસ્માતો બનતા હતા. જેમાં દેણા ચોકડી મોતની ચોકડી તરીકે જાણીતી બની ગઇ હતી. દેણા ચોકડી ઉપર વાહન ચાલક અથવા તો પગપાડા રોડ ક્રોસ કરનારની નજીવી ચૂક મોતના મુખમાં ધકેલી દેતી હતી. આ માર્ગ ઉપરથી અમદાવાદ તરફ તેમજ સુરત તરફ જનારા વાહનો પુરપાટ પસાર થતા હોય છે. 

દેણા અને દુમાડ ચોકડી ઉપર વધી ગયેલા અકસ્માતોના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ જતો હતો. ક્યારે 5-5 કિલોમીટર વાહનોની કતારો લાગી જતી હતી. પરિણામે નોકરી-ધંધાર્થે અથવા તો અન્ય કામ માટે જનારા લોકોને કલાકો સુધી હાઇવે પર સમય પસાર કરવો પડતો હતો. આ સ્થિતી એક માસમાં ચારથી પાંચ વખત સર્જાતી હતી. અને સ્થિતી દેણા ચોકડી પાસે થતાં અકસ્માતોના કારણે વધુ પડતી સર્જાતી હતી. 


દેણા, પિલોલ, વિરોદ, મોટા પુરા સહિતના ગામોમાંથી વડોદરા તરફ આવતા ગ્રામ્યજનો તેમજ વેપાર-ધંધા કરનારાઓ તેમજ વડોદરાથી સાવલી તરફ જતા વેપાર-ધંધાર્થીઓ દેણા ખાતે ફ્લાય ઓવર બનાવવા માટે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરિણામે સાંસદ રંજનબહેન ભટ્ટે કેન્દ્રીય મંત્રી નિતીન ગરકડીને દેણા અને દુમાડ ચોકડી ઉપર ફ્લાય ઓવર બનાવવા માટે રજૂઆત કરી હતી. 


સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં દુમાડ અને દેણા ચોકડી પાસે રૂપિયા 36 કરોડના ખર્ચે દેણા ચોકડી ઉપર ઉપર અને રૂપિયા 16 કરોડના ખર્ચે દુમાડ ચોકડી બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં બંને ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થઇ જતા તા. 6 જુનના રોજ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

દેણા ચોકડી અને દુમાડ ચોકડી ખાતે ફ્લાય ઓવર બ્રિજ બની જવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે. હવે વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે. તેજ રીતે દુમાડ ચોકડી પાસે પણ અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને માનવ જિંદગીઓ બચશે. તે સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

Share :

Leave a Comments