માણેકરાવ અખાડા પાસે આવેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શિવલિંગ ખંડિત હોવા છતાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર પૂજા કરે છે

વર્ષો પહેલાં અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું, 1977થી 1990 દરમિયાન જીર્ણેાદ્ધાર કરાયો હતો

MailVadodara.com - Neelkantheshwar-Mahadev-temple-near-Manekrav-Akhada-Devotees-worship-devoutly-even-though-the-Shivling-is-broken


વડોદરા શહેરમાં એવા અનેક શિવાલયો છે, જેનું આગવું મહત્વ અને અનેરો ઇતિહાસ જોડાયેલો છે. તેવું એક શિવાલય શહેરની મધ્યમાં આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં નિલકંઠેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલય સ્થળે ગણેશજી સ્થાપના કરવામાં આવનાર હતી. પરંતુ, શિવલિંગ દૂર ન થતાં આખરે તે સ્થળે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને બાજુમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે શ્રદ્ધાળુઓએ નિલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગાયકવાડી સમયનું છે. ઘણો વર્ષો પહેલા આ જગ્યા પરથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. શિવજી નિરાકાર છે. અહીં પણ અડધુ શિવલિંગ છે. જે હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે. આજે શ્રાવણ માસના સોમવારે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.


નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિજયગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે બાદ ડોંગરેજી મહારાજ દ્વારા 1977 થી 1990 દરમિયાન જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પહેલા આ જગ્યા પર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. એ જગ્યા પર ખોદકામ થતા શિવલિંગ ખંડિત થયું હતું. જેથી તમે આજે અડધું શિવલિંગ અહીં જોઈ શકો છો. ખંડિત શિવલિંગ હોવા છતાં પણ લોકોની શ્રદ્ધામાં કોઈ તફાવત દેખાતો નથી. શ્રદ્ધાભેર લોકો અહીં આવે છે અને શિવલિંગની પૂજા કરે છે અને લોકોની મનોકામનાઓ પણ અહીં પૂર્ણ થતી દેખાય છે.


તદુપરાંત બીજી ખાસ વાત એ છે કે, અત્યારે જે જગ્યા પર શિવલિંગ છે ત્યાં ગણેશજીની સ્થાપના કરવાની હતી, પરંતુ અત્યારે જે જગ્યા પર શિવલિંગ સ્થાપિત છે ત્યાંથી એને કોઈ હલાવી શક્યું નહીં. તેથી ત્યાં જ મહાદેવ મંદિરની રચના કરવામાં આવી અને એની બાજુમાં જ ગણેશ મંદિર બનાવવામાં આવ્યું હતું.


Share :

Leave a Comments